સેંકડો યુવાનો નોકરી માટે તૈયાર જ છે સરકાર સામાન્ય માનવીને પડતી મુશ્કેલીઓ ચલાવી નહીં લે
ખાસ-ખબર સંવાદદાતા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે ડેપ્યુટી કમીશ્નર્સ પટવારી અને કાનુન્ગોની કચેરીઓમાં કાર્યરત કર્મચારીઓએ આપેલી ’પેન-ડાઉન’ સ્ટ્રાઈકની ધમકીનો કડક જવાબ આપતાં કહ્યું હતું કે, જેઓ હડતાળ ઉપર જશે, તેઓ નોકરી ગુમાવશે. સેંકડો યુવાનો નોકરી માટે તૈયાર જ છે. સરકાર આવી હડતાલોને લીધે સામાન્ય માનવીને પડતી મુશ્કેલીઓ ચલાવી નહીં જ લે. ભગવંત માનના આ નિર્ણય વિષે માહિતી આપતા મુખ્યમંત્રીનાં કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છે, આરોપો પણ છે, તે કર્મચારી સામે ચાલી રહેલી કાર્યવાહીમાં તે કર્મચારીઓની તરફેણમાં હડતાળ પર જવાની ઉક્ત સરકારી કર્મચારીઓએ ધમકી આપતા મુખ્યમંત્રીએ તેઓને આવી સ્પષ્ટ ચેતવણી આપી છે. મુખ્યમંત્રીનાં કાર્યાલયે વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે જે કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચાર સંબંધી કાર્યવાહી ચાલી રહી છે, તેઓ તેમાં નિર્દોષ સાબિત થશે તો તેઓને પાછા તેમના સ્થાને લઈ લેવામાં જ આવશે. પરંતુ સરકાર ભ્રષ્ટાચાર કેસો પ્રત્યે બેધ્યાન તો રહી ન જ શકે.