DCP, ACP, 20 PI અને 70 PSI સહિતનો સ્ટાફ આખી રાત બંદોબસ્તમાં, SOG પોલીસે ડ્રોન કેમેરા દ્વારા વૉચ રાખી
રાજકોટમાં 12 જગ્યાએ ન્યૂ યર પાર્ટી, માત્ર 9એ જ મંજૂરી માટે એપ્લાય કર્યું, 8ને જ મંજૂરી
- Advertisement -
અટલ સરોવર ખાતે આયોજકે મંજૂરી લીધી ન હોઇ પાર્ટી બંધ કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્ષ 2024નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર. ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ ખાનગી પ્લોટમાં તેમજ હોટેલોમાં ધામધૂમથી ન્યૂ યર પાર્ટી સાથે ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં લગભગ અલગ અલગ 12 જેટલી જગ્યા પર ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી માત્ર 9 લોકોએ જ મંજૂરી માટે એપ્લાય કર્યું હતું તમાંથી 8 આયોજનને મંજૂરી આપવામાં આવી હતી અને બાકીના આયોજકોને પાર્ટીનું આયોજન શરૂ કરવા દેવામાં આવ્યું ન હતું. જ્યારે અટલ સરોવર ખાતે આયોજક મંજૂરી લીધી ન હોવાથી ધમાલના રંગમાં ભંગ પાડી યુનિવર્સીટી પોલીસે આયોજન બંધ કરાવ્યું હતું. તો આ ન્યૂ યર પાર્ટીમાં પણ જયશ્રી રામના નારા સંભળાયા હતા અને રાત્રે 12 વાગ્યે ફટાકડાની આતશબાજી સાથે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકીના નાદથી મેદાન ગુંજી ઉઠ્યું હતું. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ સેલિબ્રેશન પાર્ટી પ્લોટ સ્થિત કેસરિયા ન્યૂ યર પાર્ટી પ્લોટને પોલીસ મંજૂરી ન હોવાથી પાર્ટી શરૂ કરવા દેવામાં ન આવી. અહીંયાની ઇવેન્ટ માટે જે લોકોએ પાસ ખરીદ્યા હોય તેમને કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આયોજનમાં મોકલવામાં આવ્યા હતા. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મંજૂરી લેવામાં આવી નથી. રાજકોટ શહેર પોલીસમાં કુલ 9 આયોજકો દ્વારા મંજૂરી માટે એપ્લાય કરવામાં આવ્યું હતું. જેમાંથી 8 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. 1 આયોજક પાસે નિયમ મુજબ જરૂરી કાગળ પુરાવા ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી. જે લોકોએ મંજૂરી નથી મેળવી તેમને પાર્ટી આયોજન શરૂ કરવા દેવામાં આવ્યું નથી.
આખી રાત પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
- Advertisement -
નશાની હાલતમાં નીકળેલા 35 શરાબીઓની પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગઈ રાતે વર્ષ 2024ની છેલ્લી રાત અને 2025ના નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટ પર લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠયા હતા અને વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું ત્યારે થર્ટી ફર્સ્ટ પર બુટલેગરો, પેડલરો અને નશાની હાલતમાં નીકળતાં નશાખોરો સામે રાજકોટ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને દારૂ ઢીચી નીકળેલા 35 શરબીઓને દબોચી લીધા હતા પોલીસ દ્વારા મોડી રેટ સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પાર્ટીઓ પર ડ્રોનથી નજર રાખી હતી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, એલસીબી સહિત તમામ પોલીસ મથકનો સ્ટાફ વ્હેલી સવાર સુધી ખૂણે ખૂણે ચેકીંગ હાથ ધરી 35 જેટલા પીધેલાઓને પકડી પાડ્યા હતાં. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં 4 ડીસીપી, 6 એસીપી, 21 પીઆઈ, 70 પીએસઆઇ, 851 પોલીસ જવાન તથા 451 ટીઆરબી-હોમગાર્ડ જવાનો સાંજ પડતાં જ મેદાનમાં ઉતરી ગયાં હતા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં યોજાયેલ ડાન્સ પાર્ટીઓમાં ખાસ નશાની હાલતમાં ઘુસેલા શખ્સો અને રોમિયોગીરી કરતાં શખ્સો પર ખાસ વોચ રાખવા એસઓજીની ટીમે ડ્રોન કેમેરાથી ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ એનડીપીએસ કીટનો ઉપયોગ કરી એડિકટોને પકડવા કવાયત હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઠેર-ઠેર પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદથી નશાખોરોને પકડવા સઘન ચેકીંગ હાથ ધરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નશાની હાલતમાં નીકળેલા 35 શખ્સોને પકડી પાડ્યા હતાં.
થર્ટી ફર્સ્ટ પર રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, કોટેચા ચોક, સહિતના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી કરવા લોકો નીકળ્યાં હતાં ત્યારે ત્યાં પણ પોલીસે ખડેપગે રહી લોકોને સુરક્ષા પ્રદાન કરી હતી.



