ત્રણ દિવસમાં જ 150થી વધુ એકસ્ટ્રા ટ્રિપમાં 10 હજાર મુસાફરોએ મુસાફરી કરી: દાહોદ-ગોધરા રૂટમાં સૌથી વધી ભીડ
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારો આજથી શરૂ થઈ ગયા છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી નિગમ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં એકસ્ટ્રા સંચાલન શરૂ કરાયું છે. છેલ્લા ત્રણ દિવસથી એસટી દ્વારા જુદા જુદા રૂટો ઉપર રેગ્યુલર ઉપરાંત એકસ્ટ્રા બસો પણ દોડાવાઈ રહી છે. ખાસ કરીને ગઈકાલથી રાજકોટ સહિત રાજયનાં જુદા જુદા બસ સ્ટેન્ડો ઉપર મુસાફરોની ચિકકાર ભીડ નજરે પડવા લાગી છે. અને મોટાભાગનાં રૂટોની બસો ફૂલેફૂલ દોડતી નજરે પડી રહી છે.
- Advertisement -
રાજકોટ એસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલથી મુસાફરોનો ધસારો વધ્યો છે અને ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રમાં વસતા પંચમહાલનાં શ્રમિકોએ વતનની વાટ પકડી છે. આથી છેલ્લા બે દિવસથી રાજકોટથી દાહોદ-ગોધરાની સૌથી વધુ બસો ચિકકાર દોડી રહી છે. આ ઉપરાંત સોમનાથ- દ્વારકા રૂટની બસોમાં પણ સારી એવી ભીડ નજરે પડી રહી છે. વધુમાં રાજકોટ એસટી વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં જ રાજકોટથી 150થી વધુ એકસ્ટ્રા ટ્રીપો દોડાવાઈ છે. અને 10 હજારથી વધુ મુસાફરોએ એકસ્ટ્રા બસોમાં મુસાફરી કરી છે. અને આ ત્રણ દિવસના એકસ્ટ્રા સંચાલન દરમ્યાન તંત્રને રૂા.17 લાખથી વધુની એકસ્ટ્રા પણ થઈ જવા પામી છે. વધુમાં રાજકોટ એસટી વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે એક જ દિવસમાં રાજકોટથી 73 એકસ્ટ્રા ટ્રીપો દોડી હતી અને 4187 મુસાફરોએ મુસાફરી કરી હતી. જયારે ગઈકાલે એકસ્ટ્રા સંચાલન થકી તંત્રને રૂા.11.28 લાખની વધારાની આવક થવા પામી હતી.
એસટીના સૂત્રો અનુસાર આવતીકાલથી મુસાફરોનો ધસારો હજુ વધે તેવી સંભાવના છે.