દરેક મનુષ્યમાં વધતે ઓછે અંશે સદ્ગુણો અને દુર્ગુણો રહેલા હોય છે. સારામાં સારો માણસ પણ સો ટકા સદ્ગુણી હોતો નથી, ખરાબમાં ખરાબ માણસ પણ સો ટકા જેટલો દુર્ગુણી હોતો નથી. સજ્જન વ્યક્તિમાં સદ્ગુણોનું પ્રાધાન્ય હોય છે, દુર્ગુણોની સંખ્યા ઓછી હોય છે. કોઈ અત્યંત ધાર્મિક મનુષ્ય લોભી હોઈ શકે, કોઈ મોટો દાનવીર શરાબ સેવન કરતો હોઈ શકે, કોઈ હત્યારો ઉત્તમ મિત્ર હોય શકે. આપણા બધાની અંદર આવા સારા અને નરસા લક્ષણોનું મિશ્રણ રહેલું હોય છે. જેનામાં સદ્ગુણોનું પ્રાધાન્ય વધારે એ સારો માણસ અને દુર્ગુણોનું પ્રાધાન્ય વધારે તે દુર્જન. અધ્યાત્મ એ બીજું કશું જ નથી પરંતુ દિવસે દિવસે સારા માણસ બનવાની સાધના છે. હું ગઈકાલે જેવો હતો એના કરતાં આજે થોડેક અંશે સારો બનું અને આજે છું એના કરતાં આવતીકાલે થોડો વધારે સારો બનું એ જ મારી આધ્યાત્મિક યાત્રા. માટે આપણી અંદર રહેલા દુર્ગુણોથી નિરાશ થવાની જરૂર નથી અને આપણામાં રહેલા કેટલાક સારા ગુણોથી સંતુષ્ટ બની જવાની પણ જરૂર નથી. અધ્યાત્મ એ નિરંતર ચાલતી રહેતી ક્રમિક સાધના છે.
Follow US
Find US on Social Medias