ખાસ-ખબર સંવાદદાતા
નાણાં વર્ષ 2022-23માં રેન્જબાઉન્ડ રહ્યા બાદ વર્તમાન વર્ષના મેમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ પ્રથમ જ વખત રૂપિયા 1.40 લાખ કરોડના આંકને પાર કરી ગયો છે. દેશમાં ક્રેડિટ કાર્ડસની સંખ્યા જે એપ્રિલમાં 8.65 કરોડ હતી તે મેમાં વધી 8.74 કરોડ સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. બીજી બાજુ ક્રેડિટ કાર્ડસ સંબંધિત નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં પણ વધારો થઈ રહ્યો છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં કુલ વીસ લાખ નવા કાર્ડસ ઉમેરાયા છે. ગયા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ મહિને રૂપિયા 1.10 લાખ કરોડથી રૂપિયા 1.20 લાખ કરોડની વચ્ચે રહ્યા કરતો હતો, પરંતુ વર્તમાન વર્ષના મેમાં પ્રથમ જ વખત રૂપિયા 1.40 લાખ કરોડનો આંક જોવા મળ્યો છે. કાર્ડ દીઠ ખર્ચની વાત કરીએ તો મેમાં પ્રતિ કાર્ડ સરેરાશ રૂપિયા 16144નો ખર્ચ કરાયો છે. કાર્ડસ જારી કરવાની દ્રષ્ટિએ 1.81 કરોડ ક્રેડિટકાર્ડસ સાથે એચડીએફસી બેન્કનો ક્રમ રહ્યો છે. ક્રેડિટ કાર્ડસની કુલ સંખ્યામાં એચડીએફસી બેન્કનો હિસ્સો મેમાં 28.50 ટકા રહ્યો હતો.