ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
જિલ્લાકક્ષાની યોજાયેલી ચિંતન શિબિરના પ્રથમ દિવસે બીજા સત્રમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ ટાઈમ મેનેજમેન્ટ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. શૈલેષ સગપરિયાએ આપણી સંસ્કૃતિમાં ઋષિ-મુનીઓએ વર્ણવેલા ચાર આશ્રમોની વિસ્તૃત સમજણ સાથે કઈ રીતે સમયનું વ્યવસ્થાપન કરવું તેમની ઉદાહરણ સાથે સમજૂતી આપી હતી. સગપરિયાએ આપણને સૌને સરખો સમય મળ્યો છે પરંતુ આ સમયનો વ્યવહારૂ ઉપયોગ કરીને રોજિંદા સમયને કઈ રીતે સાર્થક કરી શકાય તેના નાની-નાની વાર્તાઓના ઉદાહરણો સાથે સમજૂતી આપી જીવનને કઈ રીતે વધુ સરળ અને બહેતર બનાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે સૌને સરખો જ સમય મળ્યો છે અને સૌ સમાન સ્તર પર જ છીએ છતાં
દરેકના જીવનમાં વૈવિધ્ય હોવાનું કારણ સમયનો કઈ રીતે સદુપયોગ કરો છો. તેના પર નિર્ભર કરે છે. જીવનમાં કામનું સમયપત્રક બનાવીને અગત્યના, બીન અગત્યના વગેરે પ્રકારની શ્રેણી બનાવી તે પ્રકારે કાર્ય કરવામાં આવે તો ચોક્કસ સમયની બચત થાય છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કાર્ય કરવા સાથે જીવનમાં અનેક ઉતાર-ચડાવ વચ્ચે ધાર્મિક શ્રદ્ધા-આસ્થા ટકાવી રાખવાની સમજણ આપીને આધ્યાત્મિકતા આ આરોહ-અવરોહને ટકાવી રાખવાનું બળ આપે છે. તેની વાત રજૂ કરી હતી. તેમણે જ્ઞાનપ્રાપ્તી અને પોતાની જાતને પૂર્ણ કરવા માટે બ્રહ્મચર્યાશ્રમ, અર્થોપાર્જન અને વ્યવહાર સ્મિત સાથે ચલાવી ગૃહસ્થાશ્રમ પૂર્ણ કરવા, વાનપ્રસ્થાશ્રમમાં કુટુંબ અને સમાજને સમય આપી ઉપયોગી બનવા અને છેવટે આત્માની સંતુષ્ટિ અને ઉન્નતિ માટે સન્યાસ્થાશ્રમ સફળતાપૂર્વક જીવી જવાની ટીપ્સ આપી હતી. કાર્યક્રમના અંતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રી શૈલેષ સગપરિયાનું સ્મૃતિચિહ્ન આપીને વહીવટી તંત્ર વતી સન્માન કર્યું હતું.