વિશ્ર્વ પર્યાવરણ દિન વૈશ્ર્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
પર્યાવરણ માટે ખતરારૂપ પ્લાસ્ટિક આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ નહીવત થાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આ વર્ષે પર્યાવરણ દિનની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત થીમ સાથે કરવામાં આવી રહી છે.
- Advertisement -
ગિરનાર રોપ વે પરીસરમાં જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરે કહ્યું કે, આજે પર્યાવરણ પ્રદૂષણના લીધે આપણે સૌ કોઈ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છીએ. સમગ્ર ઋતુચક્ર બદલાઈ ગયું છે. એપ્રિલ મહિનામાં વરસાદ, વાવાઝોડાનો સામનો આપણે કરી રહ્યા છીએ. ઉપરાંત માનવ વસ્તી વધી છે તેમ ઉપભોગની વસ્તુ પણ વધી રહી છે. ત્યારે પૃથ્વીને બચાવવાની અને પ્રદૂષણ મુક્ત કરવાની જવાબદારી આપણા સૌની છે. આ વખતની પર્યાવરણ દિનની થીમ પ્લાસ્ટિક પ્રદુષણને હરાવવાની છે. ત્યારે આપણે સૌ કોઈ આ અભિયાનમાં જોડાઈ અને પ્લાસ્ટિકનો સાવ નહિવત ઉપયોગ આપણા જીવનમાં કરીએ એ જરૂરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેક્ટરના હસ્તે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ બાદ જટાશંકર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ, રોપવેના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખાસ ક્લીનીંગ ડ્રાઇવ યોજાઈ હતી.આ તકે લોકોને શણની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે એસ. બી. પરમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે રોપવે મેનેજર કુલબીરસિંઘ બેદી, આરએફઓ અરવિંદ ભાલીયા સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.