RDC બેંકના ચેરમેન જયેશ રાદડિયાની મોટી જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત આ વર્ષે ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કેડ ભાંગી નાખી છે. ખેતરોમાં પાક તૈયાર થઈ ચૂક્યો હતો ત્યારે જ વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા ભારે નુકસાન થયું હતું. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ નુકસાનનો સર્વે કરવાના આદેશો અપાયા હતા. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી મહદ્અંશે પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી (ઇન્ચાર્જ) પ્રદીપ મારવણિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર જિલ્લામાં 4,30,000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન મગફળી અને કપાસના પાકને થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ 22 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
- Advertisement -
હવે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક પણ ખેડૂતોની વ્હારે આવી છે. રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજે ’ખાસ કૃષિ લોન’ની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા જે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 12,500 થી 65,000 સુધીની લોન ઝીરો ટકાના દરે આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ ખાસ કૃષિ લોનનો રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લાભ મળશે.



