હળવદમાં સૌથી વધુ 47,940 હેકટરમાં વાવેતર, માળીયામાં માત્ર 5550 હેકટર
ચણા, જીરું, ધાણા, વરીયાળીનું વાવેતર વધ્યું : ઘઉં, રાઈ, લસણ, ડુંગળીનું વાવેતર ઘટયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં ધીમે ધીમે કપાસનું વાવેતર ઉપાડી રવિ સિઝનનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે ત્યારે ચણા અને જીરૂનું વાવેતર દિવાળી સુધી મોખરે રહ્યા બાદ હવે ઘઉંના વાવેતરે ચણા અને જીરૂના વાવેતરને પાછળ છોડી દીધું છે. તા. 16 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ મોરબી જિલ્લામાં 1,17,845 હેકટર જમીનમાં રવિ વાવેતર પૂર્ણ થયું છે જેમાં 32,095 હેક્ટરમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થયું છે.
મોરબી જીલ્લાના જળાશયોમાં તેમજ નર્મદા કેનાલમાંથી ચાલુ વર્ષે પાણી સમયસર છોડવામાં આવતા ખેડૂતો રવિ પાકનું સમયસર વાવેતર કરી શક્યા છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 16 સપ્ટેમ્બર સુધીમાં 1,17,845 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. આ વાવેતર ગત વર્ષ કરતાં સાવ નજીવું વાવેતર ઓછું છે જોકે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઈએ તો 107 ટકા જેટલું વાવેતર થયું છે તો આગામી સપ્તાહમાં તેમાં વધારો થવાની સંભાવના છે.
મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના 16 ડિસેમ્બર 2022 ના રિપોર્ટ મુજબ મોરબી જિલ્લામાં 32095 હેક્ટરમાં ઘઉં, 26510 હેક્ટરમાં ચણા, 9068 હેક્ટરમાં રાય, 26022 હેક્ટરમાં જીરૂ, 7510 હેક્ટરમાં ધાણા, 1739 હેક્ટરમાં લસણ, 4685 હેક્ટરમાં વરિયાળી, 1919 હેક્ટરમાં ડુંગળી, 1075 હેક્ટરમાં શાકભાજી અને 7415 હેક્ટરમાં ઘાસચારાનું વાવતેર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં ગત વર્ષની તુલનામાં ચણામાં 210 હેકટર, ધાણામાં 4510 હેકટર, જીરુમાં 3822 હેક્ટર અને વરિયાળી સહિતના પાકોમાં વધારો થયો છે તો બીજી તરફ ઘઉંમાં 2305 હેકટર, રાયમાં 2032 હેકટર, લસણમાં 1561 હેકટર અને ડુંગળી સહિતના પાકમાં ઘટાડો નોંધાયો છે જોકે હવે વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.