અગન વર્ષાથી જીવદયા ટ્રસ્ટને રોજના 15 પક્ષીના કેસ સાથે 500 પક્ષીને સારવાર આપી
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન્ય પ્રાણીઓ માટે ખાસ સુવિધા
વનના રાજા પણ ગરમીથી ત્રાહિમામ થતા ઠંડકનો સહારો શોધી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં 44.6 ડિગ્રી તાપમાનનો પારો ઉંચકતા ભીષણ ગરમીના લીધે પશુ, પક્ષી, વન્ય પ્રાણીઓ સાથે કાળા માથાના માનવી પર ગરમીની અસર જોવા મળી રહી છે.અને ઠંડકનો સહારો લેવો પડી રહ્યો છે.જયારે અબોલ પશુ પંખી ભીષણ ગરમીના લીધે ટપોટપ મોતને ભેટી રહ્યા છે.ત્યારે શહેરના જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટને રોજના 15 જેટલા પક્ષીઓ હીટવેવનો શિકાર બનતા હીરાપન્ના કોમ્પ્લેક્ષ ખાતે આવેલ પક્ષીઓ માટેની મીની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહ્યા છે જયારે અત્યાર સુધીમાં 500 જેટલા પક્ષીઓની સારવાર આપીને ગગનમાં મુક્ત કરીને વિહરતા કર્યા છે.તેની સાથે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સત્તાધીશો દ્વારા ભીષણ ગરમીમાં વન્ય પ્રાણીઓને ઠંડક મળે તેના માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે
જયારે ગીરનાર જંગલો સહીત વસતા વનના રાજા પણ ભારે ગરમીના લીધે દિવસે ઠંડક વાળી જગ્યા શોધી ને આરામ ફરમાવે છે અને રાત્રીના સમયે રસ્તા પર લટાર મારવા નીકળી પડે છે. સોરઠ પંથકમાં 44 ડિગ્રી પાર ભીષણ ગરમી પડતા કબૂતર, ચકલી, હોલા, કાબર ચકલી સહીતના પક્ષીઓ ભારે ગરમીનો શિકાર બની રહ્યા છે જેમાં શહેરમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને સારવાર આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં રોજના 15 જેટલા પક્ષીઓ હીટવેવનો શિકાર બનતા ટ્રસ્ટની મીની હોસ્પિટલ સારવાર અર્થે આવી રહ્યા છે.જેમાં અત્યાર સુધી 500 જેટલા પક્ષીઓને સારવાર આપીને મુક્ત ગગનમાં વિહાર કરતા છોડવામાં આવ્યા છે. જેમ જેમ ભીષણ ગરમી વધતી જાય છે તેમ તેમ પક્ષીઓને હીટવેવની અસર વધુ જોવા મળી રહી છે.
અને આકાશમાં ઉડતા પક્ષીઓ ટપોટપ નીચે પાડવાના બનાવો વધ્યા છે. જયારે કાળા માથાનો માનવી પણ અકળાઈ ઉઠ્યો છે બપોરના સુમારે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે તેની સાથે ઘરોમાં કુલર, અને એસી લગાવામાં વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ગીરનાર સહીત ગીર જંગલોમાં વસતા વનના રાજા પણ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે વનના રાજા દિવસ ભર નદી નાળાના પાણી કાંઠે સહારો લેવાની સાથે આંબાના બગીચા તેમજ ઠંડક વાળી જગ્યા પર આરામ ફરમાવી રાત્રીના સમયે રસ્તા પર લટાર મારતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે જેમાં ભવનાથ તળેટી વિસ્તરામાં અનેક વાર રાત્રીના ઠંડક વધારે હોઈ ત્યારે નીકળી પડે છે.તો બીજી તરફ ગીર વિસ્તારના રોડ પર જોવા મળે છે આમ ભીષણ ગરમીથી વન્ય પ્રાણીઓ અને વનના રાજા પણ અકળાઈ ઉઠ્યા છે.
- Advertisement -
જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણીઓ માટે ઠંડકની ખાસ સુવિધા ઉભી કરાય
જૂનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અનેક પક્ષીઓની પ્રજાતિ સાથે સિંહ, વાઘ, દીપડા સાથે રીછ સહીત હરણ, સાબર સહીત વન્ય પ્રાણીઓ જોવા મળે છે ત્યારે પ્રાણી સંગ્રહાલયના સત્તાધીશો દ્વારા પ્રાણીઓને ભીષણ ગરમીમાં રાહત મળે અને ઠંડકનો એહસાસ થાય તેવા પ્રયત્નો હાથધર્યા છે.જેમાં સૂકા ઘાસ પીંજારામાં નાખવામાં આવે છે તેમજ લીલા કલરની નેટ પીંજારા પર લગાડી દેવામાં આવે છે.તેની સાથે રોજ બરોજ પાણીનો છટકાવ કરીને ઠંડક આપવામાં આવે છે.તેની સાથે પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે વધુ પડતા ઠંડક આપતા ખોરાક સાથે લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ રીછ સહીત અન્ય પ્રાણીઓના પીંજરામાં બરફ મુકવામાં આવે છે આમ અલગ અલગ પ્રાણીઓમાં માટે પાણીના ફુવારા સાથે વન્ય પ્રાણીઓની કાળજી લેવામાં આવી રહી છે.