ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી જિલ્લાના સોનલ ધામ, મઢડા ખાતે આઈ શ્રી સોનલ માંના જન્મ શતાબ્દી મહોત્સવમાં તમામ ભક્તો અને ચારણ સમાજના સૌને શુભકામના પાઠવી હતી.રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સોનલધામ મઢડા ખાતે યોજાયેલા આઈ શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાત મહાન સંતો અને વિભૂતિઓની ભૂમિ રહી છે. ગિરનારમાં ભગવાન દત્તાત્રેય સહિત જુનાગઢ મઢડા સહિતના આ સ્થાનકો આધ્યાત્મિક ઊર્જા આપે છે. વડાપ્રધાને સોનલ માની માનવતા અને સામાજિક સેવા તેમજ રાષ્ટ્ર સેવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, સોનલ માં સનાતની સંત પરંપરામાં આધુનિક યુગના પ્રકાશસ્તંભ હતા. આઈ શ્રી સોનલ માનું સમગ્ર જીવન ધર્મ સેવા સામાજિક સેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હતું. સોનલ મા એ વ્યસન અને સામાજિક દૂષણો સામે જનજાગૃતિ લાવી પરિશ્રમથી આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો.
સોનલ મા એ ભગવત બાપુ, વિનોબા ભાવે, કનુભાઈ લહેરી, કલ્યાણજી શેઠ સાથે પણ સામાજિક અને રાષ્ટ્ર સેવામાં કાર્ય કર્યું હતું.ભારત વિભાજન સમયે જ્યારે જૂનાગઢને તોડવાની કોશિશ કરવામાં આવી ત્યારે સોનલ મા રણચંડીના રૂપમાં ઊભા રહ્યા હતા.સોનલ માં શિક્ષણ માટે પણ સતત જાગૃત હતા. તેમના મુખે ભક્તોએ રામાયણ પણ સાંભળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આઇશ્રી પ્રસન્ન થશે.પ્રધાનમંત્રીએ આ અવસરે ધર્મસ્થળો, તીર્થસ્થળોમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે તે અંગે પ્રસન્નતા વ્યક્ત કરી સૌને દીપ જ્યોતિ પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.