ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર ₹25 માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતામળી, જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ લીધો, જે એક અનોખો વિક્રમ છે.દેશભરના તમામ રાજ્યોમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને ઉલ્લેખનીય પ્રતિસાદ આપ્યો. ભક્તો માટે આ પવિત્ર સેવાના સંપૂર્ણત: તત્કાળ અનુસંધાન તરીકે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃપાપ્રસાદરૂપે ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર ભક્તોના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વના સૌથી વિશાળ પોસ્ટ નેટવર્ક – ભારતીય પોસ્ટ વિભાગ – દ્વારા આ પ્રસાદ વિતરણમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે જેથી 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફત કૃપાપ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોએ બુક કરેલા સરનામે સન્માનપત્ર, રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર સમાવવા સાથે વિશેષ એન્વેલપ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે દરરોજ 100 જેટલા સ્થાનિક યુવક-યુવતીઓ આ સેવાકાર્યમાં જોડાઈ, એન્વેલપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી રોજગારની નવી તક પણ સર્જાઈ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી. જાડેજા અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ એ આ યુવક યુવતીઓ દ્વારા ચાલી રહેલ કાર્ય ની મુલાકાત લીધી હતી. તેમજ વિશેષ માર્ગદર્શન આપેલ હતું. સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ કવરોનો સમૂહ જેમાં 70 હજાર જેટલા કવરોનુ પ્રસ્થાન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી. જાડેજા અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું.