શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં લોકો જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમનાથ ઈસ્કોન મંદિર દ્વારા સોમનાથમાં દ્રિતિય રથયાત્રાનું આજે 3 જુલાઈના આયોજન કરાયું છે. જેમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી, સુભદ્રાજીજીની રથયાત્રાની શરૂઆત બપોરે 3 વાગ્યે ખારવા સમાજવાડીથી થશે અને ભક્તિમય નૃત્ય, સંકીર્તન અને શણગારિત રથ સાથે યાત્રા કરીને સાંજે 7 વાગ્યે લુહાણાવંડી ખાતે પૂર્ણાહુતિ થશે. જેમાં સૌ કોઈ ભંડારા પ્રસાદનો લાભ લઇ શકશે. રથયાત્રા દરમિયાન સમગ્ર શહેરને રાજમાર્ગો પર હરે કૃષ્ણ મહામંત્રના શુભ કીર્તન ચાલુ રહેશે તેમ જ પરંપરાગત વસ્તુઓમાં ભક્તજનો દ્વારા વિશેષ નૃત્ય પણ પ્રસ્તુત કરાશે. રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગ ઉપર દર્શન કરતાં દર્શનાર્થી અને પ્રસાદ મળી રહે તે હેતુથી મંદિર દ્વારા બુંદી પ્રસાદના પેકેટનું વિતરણ કરાશે. રથયાત્રાનો માર્ગ ખારવા સમાજવાડી, ટાવર ચોક, પોસ્ટ ઓફિસ વાળી ગલી, કાશી વિશ્વનાથ મંદિર, આદિત્ય બિરલા હોસ્પિટલ સર્કલ, કે કે મોરી સર્કલ, બસ સ્ટેશન રોડ, સાગર સોડા, લુહાણા વંડી ખાતે સંપન્ન થશે. આજે પૂરો દિવસ શહેરજનો ભગવાનના દર્શનનો કથાનો તેમજ કીર્તન નો લાભ લઈ શકશે. આજે 3 જુલાઈએ સવારે ભગવાનને 56 ભોગ લાગશે અને સાંજે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળશે. ઇસ્કોન મંદિર તરફથી પ્રમુખ વૈષ્ણવસેવા દાસ દ્વારા ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક આમંત્રણ અપાયું છે.



