દ્વિતીય શ્રાવણ સોમવારને લઈ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ: 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખોલાયા
સોમવારને લઈ ભક્તોની ભીડને ધ્યાને લેતાં પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી, જ્યાં ભક્તો દૂર દૂરથી જળ કાવડયાત્રા સ્વરૂપે પુષ્પો, બિલ્વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધાર્યા હતા. પહેલા શ્રાવણ સોમવારે મહાદેવને શ્વેત પુષ્પો તથા ગુલાબના હારોથી શણગારવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ બિલ્વપત્રો અને રંગબેરંગી પુષ્પોથી કરવામાં આવેલા અલૌકિક શૃંગારના દર્શને ભક્તો ધન્યતા અનુભવતા હતાં. આરતી દરમિયાન ભરૂચથી પગપાળા નર્મદા માતાનું પવિત્ર જળ લઈને યુવાનો મહાદેવના અભિષેક માટે પધાર્યા હતા. પવિત્ર નર્મદાજળથી મહાદેવનો અભિષેક કરી તેમણે આધ્યાત્મિક તૃપ્તિ અને ભક્તિની અનુભવી હતી. શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવના દિવ્યતાને વધુ ઉજાગર કરે છે.ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. કહેવાય છે કે પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ દેવા પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપીને તેઓના કષ્ટ હરે છે.
શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવને ‘સૂર્ય દર્શન શૃંગાર’ કરાયો
પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં કાળગતિમાં “દ્વાદશ આદિત્યો” એટલે કે 12 સૂર્યમંદિરોનું તેજસ્વી અને ઐતિહાસિક વિભવ દૈદીપ્યમાન હતો. તે સૂર્ય ઉપાસના પરંપરા અને વિજ્ઞાનીક ચેતનાનો કેન્દ્ર રહી ચૂકેલું છે. તે જ કારણે આ તીર્થને શાસ્ત્રોમાં પ્રભાસ નામ આપવામાં આવ્યું છે – જ્યા પ્રકાશે બધું ઝગમગાય છે. આજના વિશેષ પ્રસંગે, સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્યપ્રતિકૃતિથી અલંકૃત કરવામાં આવ્યા હતા. 100 કિલોથી વધુ ગુલાબ, ગલગોટા અને વિવિધ પવિત્ર ફૂલો વડે આ શુભ શૃંગાર સર્જાયો હતો. આ દૃશ્ય માત્ર દ્રશ્યસૌંદર્ય પૂરતું નહોતું, પણ તેનું શાસ્ત્રીય મહત્વ પણ ઊંડું છે. અથર્વવેદ અને સૂર્યોપનિષદ મુજબ “સૂર્ય પરબ્રહ્મનું સ્વરૂપ છે” અને તેનું તેજ અગિયાર હજાર કિરણો દ્વારા સૃષ્ટિને જીવન આપે છે. પરંતુ આ તેજ શક્તિનું મૂળ પણ શિવ છે – જેઓ પ્રકાશના આધાર છે અને અંધકારના સ્વામી છે. શાસ્ત્રો કહે છે કે “શિવત્વ વગર ન તો જીવનનું સ્પંદન છે, ન ચેતનાનો ઉદય”. જે રીતે સૂર્ય અંધકાર દૂર કરે છે, એ જ રીતે શિવ અવિદ્યાનું, અભિમાનનું અને માયાનો અંત કરે છે.