રાજકોટમાં રાત પડતાં જ ગંદા પાણીની નદીઓ વહેવા લાગે છે!
માત્ર દૂકાનોને તાળાં મારી સંતોષ માનતું તંત્ર, પાર્કિંગ – સેલરમાંથી ગંદા પાણી છોડીને રસ્તા પર નદીઓ વહેતી કરનાર બિલ્ડરો- રેસ્ટોરન્ટ – દુકાન ધારકો સામે કોઇ પગલાં નહીં
- Advertisement -
શ્રી શક્તિ ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ખેતલા આપા પાન એન્ડ ટી સ્ટોલને તાળાં મારી દંડ ફટકારાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં તંત્ર દ્વારા નાના નાના દુકાનદારોને પરેશાન કરી જાહેરમાં ગંદકીના નામે દંડ ફટકારીને તાળા મારી દેવામાં આવે છે. ત્યારે અનેક વિસ્તારોમાં મોટા રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના ધંધાર્થીઓ – બિલ્ડરો દ્વારા રાતે પાર્કિંગ – સેલરમાં જમા થયેલાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે ત્યારે જાહેર રસ્તાઓ ઉપર ગંદા પાણીની નદીઓ વહેવા લાગે છે. તે તંત્રને દેખાતું નથી અને નાના ધંધાર્થીઓને પરેશાન કરવામાં આવે છે અને આવા મોટા રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના ધંધાર્થી – બિલ્ડરો સામે કોઇ પગલાં લેવામાં આવ નથી. જાણે તંત્રના ચાર હાથ હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. તેવી નાના વેપારી-દુકાનદારોમાં ચર્ચા થતી રહે છે.
દરમિયાન જાહેરમાં ગંદકી કરવા બદલ સોલિડ વેસ્ટ શાખા દ્વારા 6 શોપને તાળા મરાયા છે. રાજકોટ શહેરમાં મોહનભાઈ સરવૈયા હોલ પાસે આવેલા શક્તિ ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ખેતલા આપા પાન એન્ડ ટી સ્ટોલ, બાબા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, તથા ભાવનગર રોડ પર આવેલ શક્તિ ટી સ્ટોલ સીલ કરી જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેરમાં ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવાતા સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખૂબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો જેથી શ્રી શક્તિ ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ,, ખેતલા આપા પાન એન્ડ ટી સ્ટોલ, બાબા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જયશ્રી ચામુંડા પાન એન્ડ કાલ્ડ્રિંક્સ, શક્તિ ટી સ્ટોલના સંચાલકોને નોટીસ આપીને ધી જી.પી.એમ.સી. એકટ 1949ની કલમ 376-એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.