બે ટ્રક સહિત કુલ રૂ. 17.93 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાના બાંટવામાં આવેલા ત્રણ ગોડાઉનમાં એસઓજીના સ્ટાફે દરોડા પાડી ત્યાંથી રૂ.7.93 લાખનો અનધિકૃત ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લઈ બાંટવા પોલીસના હવાલે કર્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના બાંટવામાં આવેલા ગોડાઉનોમાં અનધિકૃત રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી એસઓજી પી.આઈ. એ.એમ.ગોહિલ સહિતના સ્ટાફને મળી હતી. જેથી તેમણે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખી બાંટવામાં કૃષ્ણપરામાં સરકારી દવાખાના પાસે આવેલા દેવા માંડા રબારી અને મંગુ ગોસ્વામી હસ્તકના ગોડાઉન પર રેઇડ કરી હતી. જ્યાંથી 7750 કિલો ઘઉં ભરેલો અને 7850 કિલો ચોખા ભરેલી એક ટ્રક મળી આવી હતી. જ્યારે ભડુલા રોડ પર આવેલા જયસિંહ લખધીરસિંહ પરમાર હસ્તકના ગોડાઉનમાંથી 11 હજાર 750 કિલો ઘઉં અને 2400 કિલો ચોખા તેમજ મંગાભાઈ ગોસ્વામી હસ્તકના ગોડાઉનમાંથી 3 હજા2 કિલો ઘઉં અને 5350 કિલો ચોખા મળી કુલ 22 હજાર 500 કિલો ઘઉં અને 15 હજાર 600 કિલો ચોખા અનધિકૃત મળી આવ્યા હતા.
- Advertisement -
એસઓજીની ટીમે કુલ રૂપિયા 7.93 લાખનો અનધિકૃત અનાજનો જથ્થો તેમજ દસ લાખની કિંમતના બે ટ્રક મળી કુલ રૂપિયા 17.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આગળની કાર્યવાહી માટે બાંટવા પોલીસના હવાલે કરી દેતા વધુ તપાસ હાથ ધરાઈ છે. બાંટવામાં સરકારી અનાજ વિતરણમાં ગોલમાલ થતી હોવાની વ્યાપક લોક ચર્ચાઓ વચ્ચે પોલીસે કરેલી કાર્યવાહીથી ચકચાર પ્રસરી છે.