વેરાવળથી ડિલિવરી દેવા આવેલા શખ્સ 21 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો
મોરબીના રાજસ્થાની શખ્સને ગવરીદળ પાસેથી 9 કિલો ગાંજા સાથે દબોચી લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર એસઓજીએ માદક પદાર્થોની હેરાફેરી કરતાં પેડલરો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરી હોય તેમ માત્ર બે જ દિવસમાં એનડીપીએસના ત્રણ ગુના નોંધી ત્રણ શખ્સોને ઝડપી લઈ ગાંજો, એમડી ડ્રગ્સ સહિતનો મુદામાલ કબજે કરી માદક પદાર્થોની હેરફેર કરતાં તત્વો ઉપર રીતસરની ધોંસ બોલાવી છે પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે જયૂબેલી પાસેથી નહેરુનગરના શખ્સને 12 કિલો ગાંજા સાથે દબોચી લીધા બાદ ગઇકાલે અયોધ્યા ચોક પાસેથી 2.10 લાખના 21 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે વેરાવળના શખ્સને તેમજ ગવરીદળ પાસેથી 9.143 કિલો ગાંજા સાથે મોરબીના એક રાજસ્થાની શખ્સને દબોચી કાર્યવાહી કરી હતી.
શહેરમાં “SAY NO TO DRUGS” અંતર્ગત અસરકારક કામગીરી કરવા શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે એસ.ઓ.જી. પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં ટીમ પીએસઆઇ આર.જે. કામળિયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઇ ફીરોજ શેખ, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ અમરેલીયાને મળેલ બાતમી આધારે માધાપર ચોકડીથી અયોધ્યા ચોક તરફ જવાના રસ્તે વબોચ ગોઠવી જાહેર રોડ ઉપરથી સ્વીફ્ટ કાર લઈ પસાર થયેલ વેરાવળના પેડલર દિલાવર મહમંદ સુમરા ઉ.43ને અટકાવી જડતી લેતા તેની પાસેથી 2.10 લાખનું 21 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ મળી આવતા દબોચી લઈ ગાંધીગ્રામમાં ગુનો રજીસ્ટર કરાવી ડ્રગ્સ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.7.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક તપાસમાં વેરાવળથી જ ડ્રગ્સ લાવી રાજકોટ ડિલિવરી દેવા આવ્યો હોવાની કબૂલાત આપતા વિશેષ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જ્યારે બીજા દરોડામાં પીએસઆઇ એમ.બી.માજીરાણા, એએસઆઈ ડી. બી.ખેર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમારને મળેલ બાતમીના આધારે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ગવરીદળ ગામ નજીક વોચ ગોઠવી જાહેર રોડ ઉપરથી મૂળ રાજસ્થાનના હાલ મોરબી રહેતા જગદીશ કેસરીમલ બિશ્નોઇને 9.143 કિલો ગાંજા સાથે ઝડપી કુલ રૂ.1.31 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પૂછતાછમાં રાજસ્થાની શખ્સ બે દિવસ પહેલાં જ રાજસ્થાનથી અન્ય એક શખ્સ સાથે મળી ગાંજો લઈ આવ્યો હતો અને બંને શખ્સ રાજકોટ સપ્લાય કરવાં આવતા હતાં ત્યારે તેની સાથેનો શખ્સ રસ્તામાં ઉતરી ગયો હતો. પોલીસે તે શખ્સની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં બે દિવસમાં એનડીપીએસના ત્રણ કેસ શોધી લેનાર એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન.વી.હરિયાણી, આર.જે. કામળિયા, એમ.બી.માજીરાણા, એ.એસ.આઇ. ધર્મેશભાઇ ખેર, વિરેેન્દ્રસિંહ ઝાલા, ફિરોજ શેખ, સમીર શેખ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમાર તથા મુકેશભાઇ ડાંગર, વિરદેવસિંહ જાડેજા સહિતની ટીમે કરી હતી.