એકબાજુ આજે મ્યુ. કમિશનરે ત્રણેય ઝોનની મુલાકાત લીધી, તો બીજીબાજુ સર્વર ઠપ
અરજદારો માટે પીવાનું પાણી, બેસવાની સુવિધા કરી આપવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મનપાના આધાર કેન્દ્રોમાં ક્યારેક સોફ્ટવેરના ધાંધિયા તો ક્યારેક ઓપરેટરોની અછતના કારણે પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એક વાર આજે સવારથી રાજકોટ મહાનગરપાલિકા આધાર કેન્દ્રમાં આધારકાર્ડ તેમજ જન્મ-મરણની નોંધણી કરાવવા માટે સર્વર ઠપ્પ હોવાના કારણે લાંબી લાઈનો લાગી હતી તો બહારગામથી આવતા લોકોને ધરમનો ધક્કો થયો હતો જેના કારણે પ્રજાજનોમાં રોષ જોવા મળ્યો હતો. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર અને સિવિક સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા અંગે આધાર કેન્દ્રો ખાતે અરજદારોના ધસારો વધુ જોવા મળે છે ત્યારે આજે મનપા કમિશનર તુષાર સુમેરોએ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેના આધારકેન્દ્ર અને સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી, તો બીજી બાજુ સર્વરમાં ખામી સર્જાતા સર્વર ઠપ્પ થયું હતું, જેના કારણે અરજદારોને કડકડતી ઠંડીમાં લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. મુલાકાત દરમિયાન મનપા કમિશનરે અરજદારો માટે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા અને મંડપની સુવિધા ઉભી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે જ અરજદારોને સંપૂર્ણ વ્યવસ્થા મળી રહે તે માટે મનપા કમિશનરે રૂબરૂ સ્થળની મુલાકાત કરી જરૂરી વ્યવસ્થા કરી આપવાની સૂચના આપી હતી.