દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
અલવિદા આમિર ખાન!
બીજું કંઈ આડુંઅવળું વિચારો એ પહેલાં જ ચોખવટ કરી દઉં કે આમિર ખાન સહીસલામત છે, હજુ દુનિયા તો શું દેશ છોડીને જવા જેટલી હિંમત એનામાં નથી! આ તો સોશિયલ મીડિયા સંદર્ભમાં વાત થઈ રહી છે. પોતાના 56મા જન્મદિને તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહ્યું કે, ‘તમારા પ્રેમ અને હૂંફ માટે આભાર. આ મારી છેલ્લી પોસ્ટ છે. મારી ફિલ્મો તેમજ અન્ય કામ વિશેની અપડેટ્સ તમને મારા ઑફિશિયલ અકાઉન્ટ પરથી મળતી રહેશે.’ આમિર ખાનની સોશિયલ મીડિયા એક્ઝિટ ચાહકો માટે આશ્ચર્યજનક પૂરવાર થઈ છે. ખાસ કોઈ કારણ કે કોન્ટ્રોવર્સી વગર આ રીતે તેનું ચાહકોથી દૂર થવું એ લોકોને ખાસ પચ્યું નહીં.
- Advertisement -
ઝોમેટો રોક્સ, હિતેશા શોક્ડ!
હિતેશા ચંદ્રાણી અને ઝોમેટો ડિલીવરી-બોય કામરાજ વચ્ચે ચાલી રહેલી કોન્ટ્રોવર્સીથી જો તમે વાકેફ ન હો તો, તમારે સોશિયલ મીડિયા સંન્યાસ ધારણ કરી લેવો જોઈએ. પાછલા એક અઠવાડિયાથી બંનેનું નામ ‘અત્ર, તત્ર, સર્વત્ર’ ગાજી રહ્યું છે. હિતેશા ચંદ્રાણીએ ઝોમેટોમાંથી પીઝા ઑર્ડર કર્યો અને કામરાજ તેના ઘરે એક કલાકે પીઝા લઈને પહોંચ્યો. હવે હિતેશાનું કહેવું છે કે ડિલીવરી મોડી પડવાને કારણે તેણે પીઝા સ્વીકારવાની ના પાડી, જેને લીધે કામરાજએ તેના પર હુમલો કર્યો અને ભાગી છૂટ્યો. જ્યારે કામરાજનું કહેવું છે કે, હિતેશાએ તેને ચપ્પલથી ઝૂડવાનો શરૂ કર્યો, અને બચાવ-ક્રિયામાં તેનો હાથ હિતેશાના નાક પર લાગી ગયો. હિતેશાના નાક પરથી દડદડ વહેતાં લોહીએ સોશિયલ મીડિયા ગજાવ્યું. લોકોએ ઝોમેટો અને કામરાજને બેફામ ગાળો ભાંડી. પરંતુ ધીરે ધીરે કામરાજનું સત્ય બહાર આવતાં લોકોને સમજાવ્યું કે હિતેશા બહેનનો તો સ્વભાવ જ મફતનું ભોજન આરોગવાનો છે. ભૂતકાળમાં પણ તેણે અનેક ડિલીવરી માટે પૈસા ન આપ્યા હોય, એવા કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. આજે સ્થિતિ એવી છે કે ભારતીયોનો ટેકો કામરાજ સાથે છે અને હિતેશા એકલી-એકલી રડ્યા રાખે છે, વીડિયો બનાવ્યે રાખે છે. પણ કોઈ તેનો ભાવ સુદ્ધાં નથી પૂછતું.
બૂરી નઝરવાલે, તેરા મૂંહ કાલા!
- Advertisement -
ભગવાન સોમનાથના પવિત્ર સ્થાન પર એક અજ્ઞાની, અક્કલમઠ્ઠા મુસ્લિમ વ્યક્તિએ વીડિયો બનાવ્યો. સોમનાથના વિશાળ દરિયાકિનારે પાસે ઉભા રહીને તેણે વાણીવિલાસ કરતા કહ્યું કે, ‘મહેમૂદ ગઝનવી સહિત અનેક શાસકોએ આ રસ્તે આવીને સોમનાથ પર જીત હાંસિલ કરી હતી. મુસ્લિમોએ પોતાના પૂર્વજોના આ કારનામા યાદ કરવાની જરૂર છે!’ તેનો આ વીડિયો ગણતરીના કલાકોની અંદર વાયરલ થતાં દેશભરની પોલીસ સાબદી થઈ ગઈ. પેલા માણસે પણ પછી તો ડરીને પોતાની કરતૂતો માટે માફી માંગી. પરંતુ હવે તેને હરિયાણામાંથી દબોચીને ગુજરાત લાવવામાં આવ્યો છે. આશા રાખીએ કે, આપણી પોલીસ આવા નપાવટોને બરાબરનો પાઠ ભણાવે! જેથી ભવિષ્યમાં આવા બીજા ‘ગઝનવી’ પેદા ન થાય.
ક્રિકેટ-મેચ, કોરોના ને કંકાશ!
ચૂંટણીઓ પૂરી થઈ, મેયર ચૂંટાઈ ગયા, ઢોલ-નગારા વગાડી દેવામાં આવ્યા, જીતનો ઉત્સવ ઉજવાઈ ગયો. આ તમામ ઉજવણીઓ બાદ સરકારની નજરમાં કોરોના માથું ન ઉંચકે તો જ નવાઈ! અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલાં ટી-20 મેચમાં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો. ત્રણ મેચની ટિકિટ્સના પૈસા દર્શકોને પાછા આપી દેવાની જાહેરાત સાથે ત્રણ મેચો પ્રેક્ષકો વગર રમાશે એવી જાહેરાત કરી દેવામાં આવી. બીજી બાજુ, ગુજરાતમાં કોરોના-કેસોનો મૂળ આંકડો 1000ને વટી ગયો. મહારાષ્ટ્રમાં પણ 25,000થી વધુ કેસો સામે આવ્યા. ગુજરાતમાં તો રાત્રિકર્ફ્યૂ પણ 10 થી 6નો કરી દેવામાં આવ્યો. આજ વખતે કોરોના કહેર માટે વાસ્તવમાં નેતાઓની બેજવાબદારી જ કારણભૂત છે, એમાં બેમત નથી. લોકડાઉનનું ભૂત ફરી ધૂણ્યું છે, પરંતુ હવે તેની કોઈ શક્યતા નથી કારણકે દેશના અર્થતંત્રને જોખમમાં મૂકવું પોસાય એમ નથી.