સસ્તું જમવાનું ! ફૂલ થાળી,
5્રખ્યાત સ્થળે,
એકવાર આવ્યા બાદ ફરી નહીં
આવો..!! ફલાણા ફૂડ બ્લોગર
પહોંચી જજો…
જલ્દી કરજો..
મારું નામ આપજો..!
- Advertisement -
વ્લોગર્સ પર સંકજો જરૂરી સરકારે નિયમો બનાવ્યા પણ નિયમ ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી ન કરી
સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં ન આવે તો ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અંતર્ગત સજા થઈ શકે છે…
સોશિયલ મીડિયાએ સામાન્ય માણસને પત્રકારથી માંડીને રાઈટર, એક્ટર, સિંગર, ડાન્સર, પેઈન્ટર, કૂક બનાવી દીધા, અને તેમનું ક્ધટેન્ટ વાયરલ બનતા એક કદમ આગળ વધી તેઓ ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી બની ગયા! જેમના રિલ્સ-વીડિયોની આજકાલ બહુ બોલબાલા છે તેવા સોશિયલ મીડિયાના કેટલાક ઈન્ફ્લુએન્સર અને અમુક સેલિબ્રિટીને આપણે વ્લોગર કહેતા હોઈએ છીએ. ફૂડ વ્લોગર, ફેશન વ્લોગર, ટ્રાવેલિંગ વ્લોગર, એસ્ટેટ એન્ડ શેર માર્કેટ વ્લોગર એક્સ્ટ્રા.. એક્સ્ટ્રા.. આજે જે જૂઓ તે વ્લોગર બનવા ઈચ્છે છે અને રિલ્સ-વીડિયો વડે પ્રસિદ્ધિની સાથે પૈસા પણ કમાવવા માંગે છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સમાં શોર્ટ ટર્મની અંદર સુપરસ્ટાર બની જવાની ભારોભાર ઘેલછા હોય છે, જેમ વધુ ફોલોવર્સ તેમ વધુ લાઈક્સ, વધુ વ્યૂઝ, વધુ કોમેન્ટ્સ અને તેમ વધુ ઈન્કમ. એફબી-ઈન્સ્ટા-યુટ્યુબ પર પ્રોડક્ટ-સર્વિસનું માર્કેટિંગ-પ્રમોશન કરતા રિલ્સ-વીડિયો પોસ્ટ કરો અને પૈસા કમાઓ.
- Advertisement -
સોશિયલ મીડિયામાં આવતી જાહેરખબરો અનેક કારણોસર જોખમી બની છે. વ્લોગર દ્વારા કરાતી એડવર્ટાઈઝમેન્ટ અંગે આત્મમંથન આવશ્યક બન્યું છે. જાહેરખબરમાં જાહેરજીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. આપણું જીવન એ જાહેરખબરોથી પ્રભાવિત થતું જાય છે તેથી એકપણ જાહેરખબર સમાજ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવી જોઈએ. આ સીધીસાદી વાત વ્લોગર સમજતા ન હોય ભારત સરકારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી માટે ગાઈડલાઈન જાહેર કરી છે. પ્રોડક્ટ કે સર્વિસ વિશે ખોટી માહિતી આપવી અથવા જાણીજોઈને પ્રોડક્ટ કે સર્વિસ વિશેની માહિતી છુપાવવામાં આવે તો તે ગુનાહિત પ્રવૃત્તિ ગણી શકાય એટલે દરેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટીએ જણાવવું ફરજીયાત છે કે, તે પ્રચાર માટે પૈસા લે છે કે તેની પાછળ તેનું કોઈ આર્થિક હિત સંકળાયેલું છે. જાહેરાત કરતા સમયના રિલ્સ, વીડિયો, લાઈવ સ્ટ્રિમીંગ, પોસ્ટમાં વ્લોગર્સે આ વાતને સ્પષ્ટપણે લખવી પડે.
ફૂડ વ્લોગર, ફેશન વ્લોગર, ટ્રાવેલિંગ વ્લોગર, એસ્ટેટ એન્ડ શેર માર્કેટ વ્લોગર કોઈપણ પ્રોડક્ટ કે સર્વિસ વિશેના ગુણગાન ગાઈને ગ્રાહકોને ભ્રમિત ન કરી શકે. જો સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં ન આવે તો ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અંતર્ગત સજા થઈ શકે છે. સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (ઈઈઙઅ) મેન્યુફેક્ચરર્સ, એડવર્ટાઈઝર્સ અને એન્ડોર્સર્સ પર 10થી 50 લાખ રુપિયાનો દંડ લગાવી શકે છે. આ ઉપરાંત ભવિષ્યમાં જાહેરાત કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. સરકારની આ ગાઈડલાઈન સોશિયલ મીડિયાના વિસ્તરતા માર્કેટ વચ્ચે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે, વ્યૂયર્સના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા વ્લોગર્સે કોઈપણ પ્રોડક્ટ, સર્વિસ, સ્કીમની જાહેરખબર કરતી વખતે તેમને મળેલી ગિફ્ટ, હોટેલ એકોમોડેશન, ઈક્વિટી, ડિસ્કાઉન્ટ કે પુરસ્કાર સહિતના લાભોની ફરજીયાત જાણ કરવી જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલ્સ-વીડિયોમાં જાહેરખબરની સામગ્રી સાથે ડિસ્કલેમર આપવું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ પાછળનો હેતુ ઉત્પાદનોને સમર્થન કરતી વખતે વ્લોગર્સ તેમના વ્યૂવર્સને ગેરમાર્ગે ન દોરે તેની ખાતરી કરવાનો છે.
ચાર ચોપડી ભણી બની બેઠેલા સોશિયલ મીડિયાના અમુકતમુક વ્લોગર્સને આ નિયમો કે કાયદા વિશેની કશી જ સમજ નથી. તેઓ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય (ફ્રીડમ ઓફ એક્સપ્રેશન-સ્પીચ) અંતર્ગત આ નથી કરી રહ્યા, તેમનો ઉદ્દેશ સમાજસેવા સાથે જાગૃતતા ફેલવવાનો નથી પરંતુ તેઓ નિશ્ચિત પ્રોડક્ટ-સર્વિસના માર્કેટિંગ-પ્રમોશન માટેનું મિશન ધરાવે છે. આ ધંધો ફ્રીડમ ઓફ સ્પીચનો નથી પણ ફ્રીડમ ઓફ રિચનો છે. ટેક્સ ભર્યા વિના પૈસા કમાઓ, આવકનો હિસાબ માગવાવાળું કે પૂછવાવાળું કોઈ નહીં. અહીં સુધી તો બધું બરાબર હતું, હવે જો કોઈ તેમની ફેક રિલ્સ કે ભ્રામક વીડિયો નિહાળી કશું નુકસાન વહોરે તો તેઓ તર્ક-વિતર્ક આપી પોતે કેટલા નિર્દોષ-માસૂમ છે તે સાબિત કરવા હવાતિયા મારવા માંડે છે. ઉહ. અમે સમ આપી પરાણે આગ્રહ કરતા નથી, તમને પોસાઈ તો વસ્તુ અને સેવાનો લાભ લો. અમિતાભ, અક્ષય, કપિલદેવ, સહેવાગ વગેરે ગુટખા કે પછી સંજય દત્ત દારૂની જાહેરાત નથી કરતા? અમે નાના માણસો જ તમને દેખાઈ છે ?
અરે.. વેવલા વ્લોગરો.. પાનમસાલા, ઈલાયચી કે સોડાપાણીની જાહેરાત કરવી ગુનો નથી પરંતુ પાનમસાલા, ઈલાયચી કે સોડાપાણીની જાહેરાતના નામે તમાકુ-દારૂ જેવા પદાર્થોને પ્રોત્સાહન આપવું એ અયોગ્ય છે. આ પ્રકારની જાહેરાતને સેરોગેટ એડવર્ટાઈઝિંગ કહેવાય છે. ઘણા વ્લોગર્સ દલીલ કરતા હોય છે, ચુનંદા સેલિબ્રિટી પણ તમાકુ અને દારૂની જાહેરાત કરે છે ત્યાં કેમ કોઈ બોલતું-લખતું નથી? હકીકતમાં ફિલ્મ એક્ટર્સ એન્ડ ક્રિકેટ સ્ટાર્સ સેરોગેટ એડવરટાઈઝમેન્ટની કેટેગરીમાં આવતી પ્રોડક્ટ્સમાં પાનમસાલા કે ઈલાયચી ખાતા અને સોડાપાણી પીતા બતાવવામાં આવતા હોય છે. તે ટોબેકો કે આલ્કોહોલની એડ. હોતી નથી. વળી ટોબેકો અને આલ્કોહોલની પ્રોડક્ટના ફિલ્મી સીન્સમાં પણ તેનું સેવન ન કરવાની ચોખ્ખેચોખ્ખી ચેતવણી આપવામાં આવતી હોય છે, તેના પેકેટ પર પણ તસવીર સહ ચેતવણી લખાયેલી હોય છે. તમારા એકેય રિલ્સ-વીડિયોમાં આવી કોઈ ચેતવણી કે જાણકારી અપાયેલી હોય છે?
ભૂતકાળમાં જાણ્યેઅજાણ્યે સેરોગેટ એડવર્ટાઈઝિંગનો ભાગ-ભોગ બનનારી સેલિબ્રિટીએ કોર્ટની ફટકાર અને ચાહકોના દેકારા પછી ઘણીવાર માફી માંગી છે, જાહેરખબરની ફી પાછી આપી ભવિષ્યમાં ફરી ક્યારેય પાનમસાલા, ઈલાયચી કે સોડાપાણીની સેરોગેટ એડવર્ટાઈઝમેન્ટની કેટેગરીમાં આવતી પ્રોડક્ટ્સની જાહેરખબર ન કરવાની ખાતરી આપી ચૂક્યા છે. હાલમાં જ ભ્રામક જાહેરખબર મામલે પતંજલિને પણ ફટકાર પડી હતી અને બાબા રામદેવને પણ એકથી વધુ વાર માફી માંગવી પડી હતી. ભ્રામક જાહેરાતના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે જણાવ્યું હતું કે, ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી ભ્રામક વસ્તુ કે સેવાને સમર્થન આપતી જાહેરાત કરે છે તો તેમના માટે તેઓ પણ જવાબદાર છે. ખોટી અને ભ્રામક જાહેરાત આપવા માટે જાહેરાત કરાવનારાઓ, જાહેરાત કરનારાઓ, જાહેરાત એજન્સી અને તેને સમર્થન આપનારાઓ સમાન રીતે જવાબદાર છે. આમ કોઈપણ વસ્તુ-સેવાના માર્કેટિંગ-પ્રમોશન કરતા રિલ્સ-વીડિયો બનાવી ભવિષ્યમાં તે બાબતે ન કરે નારાયણ કોઈ જાનહાનિ થાય તો હાથ ખંખેરી ઊંચા ન કરી શકાય. વ્લોવર્સે પોતાની સામાજિક જવાબદારી અને નૈતિક ફરજ સમજીને પ્રોડક્ટ-સર્વિસનું માર્કેટિંગ-પ્રમોશન કરવું જોઈએ.
હેલ્થ, શેરબજાર, મ્યુચલફંડ, ઓનલાઈન ગેમિંગ રિલેટેડ જાહેરાતમાં પણ જોખમ અને બીજી જરૂરી બાબત સ્પષ્ટ જણાવવામાં આવે છે. હાલમાં જ સરકારે કહ્યું હતું કે, કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓનલાઈન સટ્ટાબાજી અથવા જુગારના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપતા જોવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુ:ખદાયક બાબત એ છે કે, સરકારે નિયમ બનાવ્યા પણ નિયમ ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી નથી કરી. ભાગ્યે જ કોઈ ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપમાં ડિસ્ક્લેમર સાથે રિલ્સ-વીડિયો પોસ્ટ કરતા હશે. આમ છતાં સરકાર કે સામાજિક સંસ્થાઓ સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી દ્વારા એફબી, ઈન્સ્ટા, યુટ્યુબ, વોટ્સએપમાં કરાતી સાચી-ખોટી જાહેરાત વિશે જરાપણ દરકાર કરતી નથી. આપણે ત્યાં મનોરંજન પીરસતી ચાઈનાની એપ ટિકટોક પર બેન મૂકાઈ જાય છે, એફબી-ઇન્સ્ટામાં કોઈ ચાઈને તકલાદી રિલ્સ-વીડિયો કે પોસ્ટ મૂકી બીજાના જીવ જોખમમાં મૂકે તો બે શબ્દો બોલી શકતા નથી!
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના માર્કેટિંગ-પ્રમોશન કરતા રિલ્સ-વીડિયો ઘણા વ્લોગર્સે બનાવેલા, તેમના આકર્ષક ઓફર્સવાળા રિલ્સ-વીડિયો જોઈ લોકો ત્યાં દોડ્યા ગયા અને મોતને ભેટ્યા અથવા સમગ્ર દુર્ઘટનામાં તેઓ પણ ક્યાંકને ક્યાંક દોષિત છે કે પછી સાવ જ નિર્દોષ છે તેનો નિર્ણય તો ન્યાયતંત્ર કરી શકે પરંતુ જો સોશિયલ મીડિયાના એ કહેવાતા ઈન્ફ્લુએન્સર કે સેલિબ્રિટી કે પછી વ્લોગર્સે પોતાના રિલ્સ-વીડિયોમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ડિસ્ક્લેમર રાખ્યું હોતું તો તેઓ પર કોઈ આંગળી ચીંધી ન શકતું. ભવિષ્યમાં પણ તેમની કોઈ આંગળી ન કરી શકે તે માટે તેઓ દરેક રિલ્સ-વીડિયો-પોસ્ટમાં ડિસ્કક્લેમર રાખે એ જરૂરી છે.
ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી માટે જાહેર કરાયેલી છે ગાઈડલાઈન ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપમાં ડિસ્ક્લેમર વગર રિલ્સ- વિડીયો પોસ્ટ કરી શકાય?
ઈન્ફ્લુએન્સર કોઈપણ વસ્તુ-સેવાના માર્કેટિંગ-પ્રમોશન કરતા રિલ્સ-વિડીયો બનાવી ભવિષ્યમાં તે બાબતે ન કરે નારાયણ કોઈ જાનહાનિ થાય તો હાથ ખંખેરી ઊંચા ન કરી શકે…