ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 થી 26 જાન્યુઆરી દરમિયાન પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ જોવા મળશે
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવે આગામી થોડા દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. આ સાથે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 થી 26 જાન્યુઆરી દરમિયાન પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.
- Advertisement -
હવામાન વિભાગે શું કહ્યું ?
ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ઉચ્ચ ભેજ સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ પછી 24 થી 26 જાન્યુઆરી વચ્ચે તે વધુ તીવ્ર થવાની ધારણા છે. હિમાચલ પ્રદેશમાં 24 અને 25 અને ઉત્તરાખંડમાં 25 અને 26 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થશે.
અહી વરસાદ અને બરફવર્ષાની સંભાવના
23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ પછી 24 જાન્યુઆરીએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. 24મીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હિમવર્ષા થઈ શકે છે. આ દરમિયાન ઉત્તર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે.
IMD અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. તો આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને તે પછી થોડા સમય માટે કોઈ ફેરફાર થશે નહીં.
- Advertisement -
નોંધનીય છે કે, જાન્યુઆરીની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં એકાએક દાયકાઓનો રેકોર્ડ તૂટી રહ્યો હતો. સમગ્ર ઉત્તર ભારત ધુમ્મસની લપેટમાં હતું. જોકે હવે હવામાન વિભાગના અંદાજ મુજબ લોકોને ઠંડીમાંથી રાહત મળશે.