ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પંથકમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં રહેતા ચશ્માના વેપારીનું ઘર બે દિવસ તહેવારો દરમિયાન બંધ હતું તે સમયે તસ્કરોએ ઘરને નિશાન બનાવી 2.25 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી જે બનાવ મામલે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
મોરબીના મહાવીર ચશ્મા ઘરના સંચાલક સંજયભાઈ ભોગીલાલભાઈ વોરાનું 5 શક્તિ પ્લોટમાં ઘર આવેલ છે અને તેઓ પરિવાર સાથે આઠમના દિવસે બપોર બાદ બે દિવસ બહારગામ ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ સંજયભાઈના મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ કબાટમાંથી અંદાજે 1.75 લાખ રોકડા અને 50 હજારની કિંમતની સોનાની બુટી ઉપરાંત 25 જોડી લેડીઝ કપડા અને એક મોબાઈલ સહિતની મત્તા ચોરી કરી ગયા હતા. જન્માષ્ટમીના દિવસે બપોરે પરિવાર બહારગામ ગયો હતો અને રવિવારે રાત્રે ઘરે પરત ફરતા ચોરીના બનાવની જાણ થઈ હતી જેથી પોલીસને તુરંત જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ પર પહોંચી તપાસ પણ આદરી હતી જોકે મંગળવાર બપોર સુધી સત્તાવાર ફરીયાદ નોંધાઈ નથી તેવી માહિતી પણ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થઈ છે.