એક સાથે 8 મકાનોને નિશાન બનાવી આસિસ્ટન્ટ મેનેજરના ઘરમાંથી રૂ.11.32 લાખની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. મોઢે કપડું બાંધી અને તલવાર જેવા હથિયારો સાથે આવેલા તસ્કરોએ એકસાથે આઠ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. સૌથી મોટી ચોરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશિષકુમારસિંહ ચૌહાણના મકાનમાંથી થઈ હતી. તેમનો પરિવાર દ્વારકા ગયો હોવાથી તેમની ગેરહાજરીમાં તસ્કરોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરીમાંથી ₹10,13,120ના સોનાના દાગીના, ₹78,399ના ચાંદીના દાગીના અને રોકડ ₹41,100 મળીને કુલ ₹11,32,619ની મત્તાની ચોરી થઈ હતી. અન્ય મકાનોમાં પણ ખાનાતલાશી કરવામાં આવી હતી. આ ઘટના અંગે જાફરાબાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.