ભવનાથમાં હર..હર… મહાદેવનાં નાદ ગુંજ્યા
અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજ્યો, પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો
મેળાનાં પ્રથમ દિવસે સામાન્ય ટ્રાફિક: રાત્રે સંતવાણીની રમઝટ બોલશે
ખાસ-ખબર સંવાદદાતા
ભવનાથમાં હર…હર… મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. સંતો, મહંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધજારોહણ કરવામાં આવ્યું હતું અને સાથે દિગંબર સાધુઓએ ધૂણા પ્રજ્વલિત કર્યા હતાં. અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજ્યો હતો. વર્ષ 2020માં કોરોનાના કારણે મેળો થયો નહતો અને 2021માં માત્ર સાધુ-સંતોનો મેળો થયો હતો. ચાલુ વર્ષે કોરોનાનો ભય ઓછો થતાં શિવરાત્રિનાં મેળાને મંજૂરી મળી છે ત્યારે આજે મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ થયો હતો. સંતો, મહંતો, અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ ભવનાથમાં આવેલા અગ્નિઅખાડા, જૂના અખાડા અને આહ્વાન અખાડામાં પણ ધજારોહણ થયું હતું.
- Advertisement -
ભવનાથમાં આવેલ દિગંબર સાધુઓએ હર..હર… મહાદેવના નાદ સાથે ધૂણા ધખાવ્યા હતા. ભવનાથ તીર્થક્ષેત્ર શિવમય બની ગયું છે તેમજ ભવનાથમાં અન્નક્ષેત્રોમાં પણ હરિહરનો નાદ ગુંજ્યો હતો. મેળાના પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે મેળાના પ્રથમ દિવસે ભવનાથમાં ઓછો ટ્રાફિક હતો પરંતુ સાંજના સમયે લોકો ઉમટી પડશે. રાત્રિનાં આશ્રમ, ઉતારા મંડળમાં સંતવાણી ભજનની રમઝટ બોલશે. જો કે આવતીકાલ અને રવિવારના મેળામાં જૂનાગઢના લોકો ઉમટી પડશે.
મેળામાં સઘન ચેકીંગ
- Advertisement -
ભવનાથ શિવરાત્રિનાં મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મંદિર પરિસર અને ભવનાથ ક્ષેત્રમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ST બસનો પ્રારંભ
જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધીની એકસ્ટ્રા બસનો પ્રારંભ થયો હતો.