સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ સહિતના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં નકલીની બોલબાલા વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારા તાલુકાના લજાઈ અને હડમતીયા ગામની સીમમાં દરોડો પાડી ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો કંપનીના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરી નકલી એન્જીન ઓઇલ પેકીંગ ફેક્ટરી ઝડપી લઈ રૂપિયા 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ સહિતના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડયા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ટંકારા તાલુકાના લજાઈ અને હડમતીયા ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાણીતી કંપનીઓનું નકલી ઓઇલ પેકીંગ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી નકલી ઓઇલ એન્જીન પેકેજીંગ કરવાનું તોસ્તાન કારસ્તાન ઝડપી લીધું હતું. વધુમાં એસએમસી ટીમે બનાવ સ્થળેથી આરોપી મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે.ગોકુલધામ સોસાયટી મોરબી અને આરોપી અરુણ ગણેશભાઈ કુંડારીયા રહે.મોરબી રવાપર રોડ વાળાને ઝડપી લઇ ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો કંપનીના નકલી ઓઇલ પેકીંગ કરવા માટે ઉપયોગમાં લેવાતા 1-1 લિટરના પ્લાસ્ટિકના ડબ્બા, તેમજ રૂપિયા 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ કબ્જે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સવારથી સાંજ સુધી એસએમસી ટીમોએ હાથ ધરેલી તપાસને અંતે આરોપીઓના કબજા વાળા ગોડાઉનમાંથી 21,488 લીટર ઓઇલ, નકલી ઓઈલના પેકીંગ ઉપર સ્ટીકર લગાવવા માટેના મશીન, મોટર, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક્સ વજનકાંટો, સીલિંગ મશીન, ઓઇલ ભરવા માટેનું મશીન, બેરલ, એક 5 લાખની કિંમતની કાર, બે મોબાઈલ ફોન તેમજ રૂપિયા 5200 રોકડા સહિત કુલ રૂપિયા 23,17,040નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મેક, સર્વો સુપર સહિતની બ્રાન્ડના નકલી એન્જીન ઓઈલનું પેકીંગ કરાતું હતું
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડી પાડેલ નકલી ઓઇલ પેકેજીંગ ફેકટરીમાં આરોપીઓ દ્વારા ભારત પેટ્રોલિયનું મેક બ્રાન્ડ, ઇન્ડિયન ઓઇલ કંપનીનું સર્વો સુપર, ગલ્ફ કંપનીનું સીએનજી સુપ્રીમ અને હીરો કંપનીનું 4-ટી બ્રાન્ડનું નકલી એન્જીન ઓઇલ પેકીંગ કરી બજારમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.