સાડા ત્રણ કલાકના ઓપરેશન બાદ જીવ બચાવાયો
મોદી-બાઈડન સહિત દુનિયાભરના નેતાઓએ કહ્યું – આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ બ્રાતિસ્લાવા, તા.16
યુરોપિયન દેશ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર બુધવારના રોજ 71 વર્ષના હુમલાખોરે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે ફિકો પર પાંચ ગોળીઅ વરસાવી હતી, જેમાંથી એક ગોળી તેમના પેટમાં વાગી હતી. પીએમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સાડા ત્રણ કલાક સુધી સર્જરી ચાલી હતી. સ્લોવાકિયાના ડેપ્યુટી પીએમ થોમસ તારાબાએ કહ્યું કે ફિકોનું ઓપરેશન થઈ ગયું છે અને મને આશા છે કે તે આ હુમલામાંથી સાજા થઈ જશે. હાલ તેમનો જીવ જોખમમાંથી બહાર છે. આ ઘટના બાદ દુનિયાભરના નેતાઓએ તેમની સલામતી માટે પ્રાર્થના કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને આ હુમલાની નિંદા કરી છે અને વડાપ્રધાનના ઝડપથી સાજા થવાની કામના કરી છે. એન્ટની બ્લિંકને કહ્યું કે સ્લોવાકિયામાં યુએસ એમ્બેસી આ અંગે સતત નજર રાખી રહ્યું છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે આ સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે અને આ મુશ્ર્કેલ સમયમાં તેમના પરિવાર સાથે છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની નિંદા કરી હતી અને વડાપ્રધાન ફિકોના ઝડપથી સાજા થવાની કામના કરી હતી. તેમણે કહ્યું કે ભારતના લોકો આ મુશ્ર્કેલ સમયમાં સ્લોવાકિયા સાથે ઉભા છે.
પુતિને આ હુમલાને ભયાનક અપરાધ ગણાવ્યો હતો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાની નિંદા કરી છે અને તેમને ’ભયંકર અપરાધ’ ગણાવ્યો છે. પુતિને કહ્યું કે આપણા સમાજમાં આ જઘન્ય અપરાધ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. ફિકો એક હિંમતવાન અને સ્ટ્રોન્ગ માઈન્ડસેટવાળા છે અને આ તેમને આ મુશ્ર્કેલ સમયમાં બચવામાં મદદ કરશે. રશિયન નેતાઓએ પણ તેમને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. ફિકોએ 30 સપ્ટેમ્બર 2023ના રોજ સ્લોવાકિયામાં સંસદીય ચૂંટણી જીતી. આ પછી તે વિવાદોમાં રહેવા લાગ્યા. અગાઉ તેમણે યુક્રેનને સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી તે વારંવાર રશિયાનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ એક પોસ્ટમાં લખ્યું, ’સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર હુમલો ભયાનક છે.’ અમે સારા પડોશી તરીકે આ હુમલાની નિંદા કરીએ છીએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને પણ આ હુમલાની સખત નિંદા કરી હતી અને ફિકો સાથે એકજુથતા વ્યક્ત કરી હતી. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેને ’કાયરતાપૂર્ણ હુમલો’ ગણાવ્યો અને કહ્યું કે યુરોપિયન રાજકારણમાં હિંસાનું કોઈ અસ્તિત્વ હોવું જોઈએ નહીં.
- Advertisement -
તેમણે કહ્યું કે ફિકો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. અમારા વિચારો તેમના પરિવાર અને સ્લોવાકિયાના લોકો સાથે છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે સ્લોવાકિયાના લોકો અને સરકારને તેમની શુભકામનાઓ આપી. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે આ હુમલો સૌથી કાયરતાપૂર્ણ છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ હુમલાને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગે પણ પીએમ ફિકોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે હિંસા કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. આ મુશ્ર્કેલ સમયમાં આખું સ્પેન સ્લોવાકના વડાપ્રધાનની સાથે ઊભું છે. હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બને ફિકોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.