વકીલ આલમમાં ચર્ચાતી રાજકોટ બારની ચૂંટણીનું પરિણામ જાહેર
સેક્રેટરી નિલેશ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયાને પણ લીડ સાથે જીત મળી : ઉપપ્રમુખ પદે સમરસના સિદ્ધરાજસિંહ જાડેજા ચૂંટાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિએશનની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન મતદાન કરવા વકીલોનો ભારે ધસારો રહ્યો હતો અને 63 ટકા મતદાન થયું હતું. રાજકોટ બાર એસોસિએશનમાં નોંધાયેલા 4289 મતદારોમાંથી 2704 મતદારોએ મતદાન કર્યું હતું. જો કે આજની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થયા હતા અને સમરસનો હરિરસ ખાટો થઈ ગયો હોય તેમ એકમાત્ર ઉપપ્રમુખની બેઠકને બાદ કરતા તમામ બેઠકો પર આરબીએનો ઘોડો વીનમાં રહ્યો હતો. સિદ્ધરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ, કારોબારી સભ્ય તરીકે દીપ વ્યાસ અને મહિલા કારોબારી સભ્ય તરીકે હીરલ જોશી ચૂંટાઈ આવ્યા છે. આરબીએના પ્રમુખપદના ઉમેદવાર સુમિત વોરાને 2000 મતમાંથી 1105 મત મળ્યા છે જ્યારે તેમના હરીફ સુરેશ ફળદુને માત્ર 720 મત મળતા તેઓ 385 મતથી પાછળ રહ્યા હતા.
આરબીએની આંધીમાં સમરસના સુપડા સાફ થઈ ગયા હતા. પ્રમુખ પદે સુમિત વોરાની જીત થઈ હતી. સેક્રેટરી નિલેશ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયાને પણ લીડ સાથે જીત મળી હતી. જ્યારે ઉપપ્રમુખ પદે સમરસના સિદ્ધરાજસિંહ જાડેજા ચૂંટાયા છે. ગઈકાલે સવારે 9 વાગ્યાંથી મતદાન શરૂ થયું હતું. 4200થી વધુ મતદારો હતા. જેમાંથી 2715 વકીલોએ મતદાન કર્યું હતું. 63 ટકા જેવું જંગી મતદાન થતા સૌ કોઈની મીટ પરિણામ ઉપર મંડાઈ હતી. સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. મોડી રાતના 1.30 વાગ્યાં સુધી મતગણતરી ચાલી હતી. જે બાદ અંતિમ પરિણામ આવતા ઢોલના તાલે વકીલો ઝૂમ્યા હતા. ફટાકડા ફૂટ્યા હતા, ચલણી નોટોનો વરસાદ થયો હતો. વકીલોએ વિજેતા ઉમેદવારોને ફૂલ હાર કરી વધાવ્યા હતા. રાજકોટ બારની ચૂંટણીમાં ગઈકાલે મોડી રાત સુધી મતગણતરી ચાલી હતી. કુલ 2715 વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં મત ગણતરીના અંતે આરબીએ પેનલના સુમિત વોરાને 1498 મત અને સમરસ પેનલના સુરેશ ફળદુને 983 મત મળ્યાં હતા.
છઇઅ પેનલ વિજેતા ઉમેદવાર
- Advertisement -
પ્રમુખ- સુમિત વોરા 1498 મત
સેક્રેટરી – નિલેશ પટેલ 1174 મત
જોઈન્ટ સેક્રેટરી – જયેન્દ્ર ગોંડલીયા 1215 મત
લાયબ્રેરી સેક્રેટરી – કેતન મંડ 1137
સમરસ પેનલના વિજેતા ઉમેદવાર
સિદ્ધરાજસિંહ જાડેજા – 1354 મત (ઉપપ્રમુખ)
દીપ વ્યાસ – 1152 મત (કારોબારી સભ્ય)
હિરલ જોશી – 1116 મત મહિલા અનામત કારોબારી)
વકીલોએ ભાજપ સમર્થિત પેનલને જાકારો આપ્યો: કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન મેઘરાજસિંહ ચુડાસમા
વકીલોની પ્રતિષ્ઠિત સંસ્થા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં સમરસ પેનલના મોટા ભાગના ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો. સમરસ પેનલ રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ પ્રેરિત હતી. તેનું માર્ગદર્શન પણ ભાજપ લીગલ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો પણ આવ્યા હતા અને સમરસ પેનલના કાર્યાલયે આવી સમરસ પેનલને મત આપવા પ્રચાર રૂપી ભાષણ પણ કર્યું હતું. જો કે ભાજપ લીગલ સેલ પ્રેરિત પેનલને રાજકોટના પ્રબુદ્ધ વકીલ મતદારોએ જાકારો આપી દીધો છે અને વકીલ હિતમાં તટસ્થ રહી કામ કરતા આરબીએ પેનલના ઉમેદવારોને ચૂંટી કાઢ્યા છે. તેમ પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન મેઘરાજસિંહ ચુડાસમાએ નિવેદન આપતાં જણાવ્યું હતું.
ઉપપ્રમુખ, મહિલા અનામત સહિત 3 હોદ્દેદારોને ચૂંટી કાઢવા બદલ મતદારોનો આભાર: લીગલ સેલ સમરસ પેનલ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં લીગલ સેલ સમરસ પેનલના ઉપપ્રમુખ તેમજ મહિલા કારોબારી સભ્ય તેમજ અન્ય હોદ્દેદારો સહિત કુલ ચાર લોકોને ચૂંટણીમાં વિજેતા બનાવવા બદલ લીગલ સેલ સમરસ પેનલ દ્વારા રાજકોટ બાર એસોસિએશનના તમામ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. લીગલ સેલ સમરસ પેનલ લોકશાહીમાં પરાજયને સ્વીકારે છે પરંતુ અમે હંમેશા માટે ચૂંટણીમાંથી કંઈક શીખીએ છીએ ભવિષ્યમાં ખૂબ જ કાળજી લઈ વધારે હોદ્દેદારો વિજેતા થાય તે માટે પ્રયત્નો કરીશું



