દેખાવકારોએ એક જ દિવસમાં વધુ 300 વાહનો આગને હવાલે કર્યા
પૌત્ર તો પાછો નહીં આવે, પણ દેશને આગમાં હોમવાનું બંધ કરો: મૃતકના દાદીની પ્રદર્શનકારીઓને અપીલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ફ્રાન્સમાં 17 વર્ષના મુસ્લિમ છોકરાની ટ્રાફિક પોલીસ જવાને હત્યા કરી તે પછી હિંસા ફાટી નીકળી છે. અસંખ્ય વાહનો અને સરકારી ઈમારતોને આગ લગાવી દેવામાં આવી છે. સતત છઠ્ઠા દિવસે હિંસાના બનાવો બન્યા હતા. જોકે, હિંસાની ઘટનાઓ ઘટી છે. દરમિયાન વધુ 157ની ધરપકડ કરવામાં આવી હતી. હિંસાના આરોપ હેઠળ અત્યાર સુધીમાં 3354ની ધરપકડ થઈ ચૂકી છે.
પેરિસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં પોલીસે કરેલા ગોળીબારમાં 17 વર્ષના છોકરા નાહેલનાં મૃત્યુ પછી શહેરમાં વ્યાપક હિંસા અને તોફાનો ફાટી નીકળ્યાં છે. જે છેલ્લાં છ દિવસથી બંધ થવાનું નામ લેતાં નથી. આ તોફાનો દરમિયાન પેરિસનાં ઉપનગર સ્થિત મેયરના ઘરમાં રમખાણકારોએ સળગતી મોટર ધકેલી દઈ મેયરનાં મકાનને આગ લગાડી દીધી હતી. આ ઘટનાથી મેયરની પત્ની અને પુત્રી પર જીવનું જોખમ સર્જાયું હતું.
રમખાણો એટલાં વ્યાપક બની રહ્યાં છે કે, તેનો અંત આવતો દેખાતો નથી. તેવે સમયે નાહેલનાં દાદીમાં નાદીયાએ અસામાન્યત: તોફાને ચઢેલા રમખાણકારોને શાંતિ રાખવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું, ” કાચ ન ફોડશો, બસો ન સળગાવશો કે શાળાઓ ઉપર હુમલાઓ ન કરશો. મારો પૌત્ર તો હવે પાછો ફરવાનો નથી, પરંતુ દેશને આગ હવાલે ન કરશો” જે ઓફીસરે ગોળીમારી છે, તેની ઉપરનો મારો ગુસ્સો છે જ પરંતુ તેથી સમગ્ર પોલીસ તંત્રને વખોડવું યોગ્ય પણ નથી.
- Advertisement -
છઠ્ઠા દિવસે હિંસાના બનાવોની તીવ્રતા ઘટી હતી, તેમ છતાં આગજનીના બનાવો બન્યા હતા. વધુ 300 વાહનોને આગ હવાલે કરાયા હતા અને 35 બિલ્ડિંગો પણ સળગાવાઈ હતી. પ્રદર્શનકારીઓને કાબૂમાં કરતી વખતે કાર્યરત એક ફાયર ફાઈટર્સનું સ્ટ્રેસના કારણે હાર્ટ એટેકથી મોત થયું હતું. પોલીસે 157ની ધરપકડ કરી હતી. એ સાથે ધરપકડનો આંકડો 3354 થયો છે. દેશભરમાં 45,000 સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે.
પેરીસનાં ઉપનગર નાન્તેરેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં પોલીસે કરેલા ગોળીબારમાં તે તરૂૂણનું મૃત્યુ થયું હતું. સરકારે તે પોલીસ અધિકારી ઉપર ’સદોષ મનુષ્ય વધ’નો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 13ને પોલીસે ગત વર્ષે ઠાર માર્યા હતા. આ વર્ષે હજી સુધીમાં 3 માર્યા ગયા છે. આથી પોલીસ ઉપર વધુ ઉત્તરદાયિત્વ સ્થાપવાની માગણી થઈ રહી છે.