ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નવલખી રોડ ઉપર ગોરખીજડીયા ગામના પાટીયા નજીક ટ્રકને ઓવરટ્રેક કરવા જતી કારે સામેથી આવતી રિક્ષાને ઠોકર મારતા રીક્ષામાં સવાર છ લોકોને ઈજા પહોંચી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકરાણીવાસમાં રહેતા શેરબાનુ યુસુફભાઈ અજમેરીએ આરોપી કારચાલક જીજે-36-એલ-0836 વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. 24 ના રોજ તેઓ તેમના ફઈની દીકરી આરઝુ અજમેરી, ફઈનો દીકરો મુસ્તકીમ અજમેરી અને તેની બહેન મહેજબીન અજમેરી તથા ફઈના દીકરા રેહાન સાથે ઝીંઝુડા ગામે કોટલાવાલા પીરની દરગાહે જવા માટે રિક્ષા જીજે-36-યુ-8848 માં નીકળ્યા હતા અને રીક્ષા મોહીનભાઈ અજમેરી ચલાવી રહ્યા હતા.
ત્યારે બપોરના સમયે મોરબી નવલખી રોડ ઉપર ગોરખીજડીયા ગામના પાટીયાથી જેપુર ગામ બાજુથી રીક્ષા પસાર થતી હતી એ વખતે નવલખી તરફથી આવતા એક ટ્રકને ઓવરટેક કરીને આરોપી કારના ચાલકે બેફામ ગતિએ આવીને રીક્ષાને સામેથી ઠોકર મારતા રીક્ષા રોડ ઉપર પલટી મારી ગઈ હતી જેને પગલે અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તમામ ઈજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જીને કારચાલક પોતાની કારને રેઢી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.