મોડાસા પાસે આવેલા આલમપુર ગામ પાસે બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં અંદાજે 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા છે. હાલમાં બે મૃતદેહને વાહનમાંથી બહાર કઢાયા છે, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા છે. અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે. એને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અકસ્માતના પરિણામે ટ્રાફિકને સિકા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ પ્રસરતા સર્જાયો અકસ્માત
મળતી વિગતો મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. એ બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. હાલમાં બે જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હાઈવે પર 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે એક ડ્રાઈવર વાહનમાંથી કૂદી જતા તેનો બચાવ થયો જ હતો.