બાંગ્લાદેશી નાગરિકોના એક ટોળાએ ભારત-બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સાંજે, બાંગ્લાદેશી નાગરિકોનું એક મોટું ટોળું ઉત્તર બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર વિવિધ સ્થળોએ એકત્ર થયું હતું. તેઓ ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ, નાગરિક પ્રશાસન અને બીએસએફ કર્મચારીઓની મદદથી તેઓ વિખેરાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે, જે પશ્ચિમ બંગાળ સ્થિત બાંગ્લાદેશ બોર્ડર પરના હોવાનું કહેવાય છે.
આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- Advertisement -
બાંગ્લાદેશમાં હિંસાનું કારણ
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં બંમ્પર જીત મેળવીને પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનેલા શેખ હસીના માટે થોડા મહિનાઓ સારા રહ્યા નથી. પહેલા ચૂંટણીમાં ધાંધલ ધમાલના આક્ષેપો થયા પછી ક્વોટા સિસ્ટમને લઈને અઠવાડિયાઓ સુધી પ્રદર્શનો ચાલ્યા અને છેવટે શેખ હસીનાના રાજીનામાની માગણી થઈ. શેખ હસીનાને વિરોધીઓ સામે ઝુકવું પડ્યું અને રાજીનામું આપીને પોતાનો દેશ પણ છોડવો પડ્યો. આ એવો દેશ છે જ્યાં શેખ હસીના 15 વર્ષ સુધી સત્તામાં હતી. હાલ દેશ છોડીને આવેલા હસીના ભારતમાં આશ્રય લઈ રહ્યા છે અને અહીંથી તેઓ અન્ય દેશોમાં આશ્રય લેવા માટેના વિકલ્પો વિચાર કરી રહ્યા છે.