હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો તથા સુવિધાઓની સમીક્ષા અને રોગી કલ્યાણ સમિતિના સભ્યો સાથે કરેલો પરામર્શ
હોસ્પિટલના બિલ્ડિંગમાં પ્રાર્થના રૂમ બનાવવા કલેકટર નું માનવીય સૂચન
રાજકોટ – રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પદ્મકુવરબા હોસ્પિટલનું સ્થળ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તથા હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો અને સુવિધાઓ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અને રોગી કલ્યાણ સમિતિના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. કલેકટર એ માનવીય સૂચન કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલના બિલ્ડિંગમાં એક પ્રાર્થના રૂમ પણ કાર્યરત કરવામાં આવે, જેથી દર્દીઓને માનસિક શાતા મળી રહે. હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતે સત્વરે યોગ્ય કરવા કલેકટરને ખાતરી આપી હતી.
ગત બેઠકની નોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. હોસ્પિટલ પરિસરમાં ફાયર સેફટી અંગેના સ્મોક ડીટેકટર તથા સ્પ્રીંક્લર જેવા સાધનો તાત્કાલિક કાર્યાન્વિત કરવા માટે કલેકટર એ સંબંધિતોને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાના જથ્થા વિષે કલેકટર એ માહિતી મેળવી હતી અને જરૂરી દવાના જથ્થાનો સ્ટોક જાળવી રાખવા માટે તાકીદ કરી હતી.
- Advertisement -

કલેકટર અરુણ મહેશ બાબુએ બાયોમેડીકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે, દર્દીઓને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે, હોસ્પિટલમાં એપ્રેન્ટીસની જગ્યાઓ તાકીદે ભરવા માટે, સામાજિક સંસ્થાઓના સહયોગથી દર્દીઓને સુખડી, ફળો તથા ખાખરા જેવા આરોગ્યપ્રદ આહારનું વિતરણ કરવા માટે, સી.સી.ટી.વી.નું યોગ્ય નિરીક્ષણ કરવા માટે જરૂરી આદેશો આપ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે પદ્મકુવરબા હોસ્પિટલમાં જરૂરી સાધનો તથા સવલતો પૂરી પાડવા કલેકટર એ ભલામણ કરી હતી.
આ પ્રસંગે પદ્મકુવરબા હોસ્પિટલના અધિક્ષક ડો. કેતન પીપળીયા, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. નૂતન લૂંગાતર, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર ડૉ. ખ્યાતિ દવે, રોગી કલ્યાણ સમિતિના પ્રતિનિધિ શાંતિલાલ સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ વિનોદભાઈ કાછડીયા, પદ્મકુવરબા હોસ્પિટલના વિવિધ તબીબી વિભાગોના વડાઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ, હોસ્પિટલના એકાઉન્ટસ-સિક્યુરિટી- એડમિનિસ્ટ્રેશન-નર્સિંગ વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -



