વંથલી યાર્ડમાં સિતાફળની મબલખ આવક થતા ખેડૂતો અને ઈજારેદારોને ફટકો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ જિલ્લાનું વંથલી વિસ્તાર બાગાયતી ખેતી માટે ખૂબ જ જાણીતું છે. કેસર કેરી, ચીકુ અને ખાસ કરીને સીતાફળના બગીચા અહીં મોટા પ્રમાણમાં આવેલા છે. હાલમાં સીતાફળની સીઝન પૂરબહારમાં ખીલી છે, પરંતુ સીતાફળના વધુ પાકના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
- Advertisement -
વંથલી યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી સીતાફળની આવક ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે. યાર્ડમાં રોજના અંદાજે 1000 જેટલા બોક્સની હરાજી થઈ રહી છે. માલની જંગી આવક સામે માંગ ઓછી હોવાથી સીતાફળના ભાવો તળિયે બેસી ગયા છે. યાર્ડમાં હાલ સીતાફળના ભાવો પ્રતિ કિલો રૂ. 12 થી લઈને 32 સુધી બોલાઈ રહ્યા છે. જોકે, જે સીતાફળનું ફળ મોટું હોય અને સારી ગુણવત્તાનું હોય, તેના ભાવ કિલો દીઠ રૂ. 40 આસપાસ મળી રહ્યા છે. ઉત્પાદન ખર્ચની સરખામણીમાં આટલા ઓછા ભાવો મળવાના કારણે સીતાફળની ખેતી કરનાર ખેડૂતો અને બગીચાનો ઇજારો રાખનાર ઇજારદારોને હાલ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ, આ જ સીતાફળ જૂનાગઢ શહેર તેમજ અન્ય શહેરોના બજારોમાં રૂ. 50 થી લઈને 80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ખેડૂતો પાસેથી સસ્તામાં માલ ખરીદ્યા બાદ વચેટિયાઓ ઊંચા ભાવે વેચીને તેનો સીધો ફાયદો ઉઠાવી રહ્યા છે, જ્યારે વાસ્તવિક મહેનત કરનાર ખેડૂત નિરાશ છે. સીઝન હોવા છતાં યોગ્ય ભાવ ન મળવાના કારણે વંથલીના બાગાયતી ખેડૂતો સરકાર સમક્ષ માર્કેટિંગ સપોર્ટ અને વાજબી ભાવની નીતિ ઘડવાની માંગ કરી રહ્યા છે.



