ટ્રી-ગાર્ડ, મોઢવર્ક, કોડિયાં અને પૂજાવિધિનો સામાન બનાવીને રોજગારી મેળવે છે
ખાસ-ખબર ન્યૂઝ લાટી
રાજ્ય સરકાર દ્વારા સમાજ જીવનમાં મહિલાઓ પણ આગળ આવે અને પુરૂષ સમોવડી બને તે માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ બધી યોજનાઓ દ્વારા મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ વધે, આરોગ્યે અને પોષણમાં સુધારો થાય અને મહિલાઓ આર્થિક રીતે પણ સક્ષમ બને તે માટે અનેક રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે.
- Advertisement -
મહિલાઓ ઘર ચલાવવા સાથે થોડી આવક પણ મેળવે અને પોતાના કુટુંબને મદદરૂપ થાય અને મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બને તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓને અમલી બનાવી છે. રાજ્ય સરકાર દ્વારા સખી મંડળોની રચના કરીને મહિલાઓ સક્ષમ બનાવવા માટે વ્યાપક કાર્ય કરવામાં આવ્યું છે. આવું જ એક સખી મંડળ સૂત્રાપાડા તાલુકાના લાટી ગામમાં બરડાદેવ મંગલમ્ જૂથ છે. આ જૂથની મહિલાઓએ ઘર કામ સાથે પુરક રોજગારી મેળવી આર્થિક રીતે સક્ષમતા હાંસલ કરી છે. ગુજરાત લાઇવલીહુડ કંપની લી. દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં ‘સરસ મેળો’ આયોજિત કરીને મહિલાઓ માટે સરસ કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે સૂત્રાપાડા તાલુકાના લાટી ગામનાં બરળાદેવ મંગલમ જૂથનાં કિંજલબેન દેવળીયાએ જણાવ્યું હતું કે, અમારા જૂથમાં 10 બહેનો છે. અમારા સખીમંડળ દ્વારા ટ્રી-ગાર્ડ, મોઢવર્ક, કોડિયા અને પૂજાવિધિનો સામાન સહિતની વસ્તુઓનું બનાવવામાં આવે છે. આ વખતે સોમનાથ મહાદેવના મેદાનમાં યોજાયેલા મેળામાં રાજ્ય સરકાર દ્વારા અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મે અભ્યાસ કરવાની સાથે ટ્રી-ગાર્ડ, મોઢવર્ક સહિતની વસ્તુઓ બનાવીને રોજગારી મેળવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સૂત્રાપાડા ખાતે આવેલ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ દ્વારા અમને આ બધી વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે આયોજિત સરસ મેળામાં વિનામૂલ્યે સ્ટોલ, જમવા સહિતની સુવિધાઓનાં કારણે મહિને પાંચ થી છ હજાર રૂપિયાની આવક કરીએ છીએ, જેના કારણે અમારી આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. આ સિવાય અમને આ મેળાને કારણે ઘર બેઠા પણ ઘણા ઓર્ડર મળે છે. જેના કારણે અમારી આવક સતત ચાલુ રહે છે.