રાજકોટ જિલ્લા જેલમાં સવારથી જ ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં બહેનોએ રડતી આંખે ભાઈઓને રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિવિધ આરોપ હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી જલ્દી મુક્ત થવાની આશા વ્યક્ત કરી આર્શીવાદ આપ્યા હતા. જ્યારે કેદી ભાઈઓએ જેલમાં આવવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
આ તકે કેદી ભાઈઓ તરફથી પોતાની બહેનોને ભેટ સ્વરૂપે એક-એક છોડ આપવામાં આવ્યો હતો. આ માટે જિલ્લા જેલ દ્વારા અગાઉથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલ ખાતે બંદોબસ્ત વચ્ચે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.