આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ફક્ત 16 કિલોમીટર દૂર, સિંહાચલ પર્વત પર સ્થિત છે આ સિંહાચલમ્ મંદિર, જેની વિશેષતા એ છે, કે અહીં ભગવાન વિષ્ણુના વરાહ અને નરસિંહ અવતારનું સંયુક્ત સ્વરૂપ છે.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
હરિ… તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી? ભગવાન શ્રી હરિ વિષ્ણુના હજારો નામ. કોઈ એમને રામ કહે, કોઈ એમને કહે શ્યામ, કોઈ કહે સીતારામ, તો કોઈ રાધેશ્યામ. દેવાલયોમાં ભક્તો ભક્તિભાવથી એમના બધા અવતારોની પૂજા અને અર્ચના કરે છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ફક્ત 16 કિલોમીટર દૂર, સિંહાચલ પર્વત પર સ્થિત છે આ સિંહાચલમ્ મંદિર. જેની વિશેષતા એ છે, કે અહીં ભગવાન વિષ્ણુના વરાહ અને નરસિંહ અવતારનું સંયુક્ત સ્વરૂપ છે. જે માતા લક્ષ્મી સાથે બિરાજમાન છે. બીજી ખાસિયત એ પણ છે કે અહીંયા પ્રભુ નરસિંહની મૂર્તિ પર ચોવીસેય કલાક ચંદનનો લેપ લગાવી રાખવામાં આવે છે! માત્ર અક્ષયતૃતીયાએ એક દિવસ માટે આ લેપ મૂર્તિ ઉપરથી હટાવવામાં આવે છે અને એ જ દિવસે ભક્તોને વાસ્તવિક મૂર્તિના દર્શન પ્રાપ્ત થાય છે! આ મંદિર ભગવાન નરસિંહના ભારતમાં સ્થિત 18 નરસિંહ ક્ષેત્રોમાંનું એક છે.
- Advertisement -
હોળીના તહેવારની કથા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહ્લાદ સાથે જોડાયેલી છે. કથા એવી છે કે હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ રાજા હતો, જે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજયમાંના એકનો પુનર્જન્મ હતો. એમાંથી બીજો દ્વારપાળ એનો ભાઈ હિરણ્યકશ્યપ હતો. ચાર સનાતનકુમારો – સનાકા, સનંદન, સન્તકુમાર અને સનંતસુજાતા – એ બંને દ્વારપાળ જય અને વિજયને શાપ આપ્યો હતો! કારણકે એમણે આ ચાર ભાઈઓને વિષ્ણુ ભગવાનના દર્શન કરવાની પરવાનગી નહોતી આપી, જેના પરિણામસ્વરૂપ બંને દ્વારપાલકોએ ત્રણ વખત અસુર બનીને પુનર્જન્મ લેવો પડ્યો!
હિરણ્યકશિપુએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા હેતુ તપસ્યા કરવાનો નિર્ણય લીધો, જેથી એ સંસારમાં અમર બની શકે! એણે ઘોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું. પણ બ્રહ્માજીએ એને કહ્યું કે તું જે ઈચ્છે છે એ શક્ય નથી એટલે ભગવાને એને એવું વરદાન આપ્યું કે કોઈ પણ દેવ-દાનવ, પશુ-પ્રાણી-પક્ષી કે માનવ એની હત્યા નહીં કરી શકે; જળ, આકાશ અને ધરતી પર ક્યાંય એનું મૃત્યુ નહીં થાય; સવાર કે રાતના સમયે તેનો વધ શક્ય નહીં બને; કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર તેના મૃત્યુનું કારણ નહીં બની શકે! આ પ્રકારનું અમોઘ અને અતિવિશિષ્ટ વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુનુ મૃત્યુ સ્વયં બહુ મોટું રહસ્ય બની ગયું હતું. એ નીડરની સાથોસાથ ક્રૂર અને વધારે લાલચી થત ગયો. પ્રજાને હેરાન પરેશાન કરવામાં તેણે કંઈ બાકી નહોતું રાખ્યું.
એનો પુત્ર એટલે પ્રહ્લાદ, જે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો અને હંમેશા એમની ભક્તિમાં ખોવાયેલો રહેતો હતો. પ્રહ્લાદના પિતા એની પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિને સહન નહોતા કરી શકતા, જેના કારણે તેઓ ક્રોધિત થયા! હિરણ્યકશિપુએ ઘણી બધી વાર પ્રહ્લાદને મારવાનો પ્રયત્ન કર્યો. એકવાર પર્વતની ટોચ ઉપરથી એને નીચે પાડ્યો! બીજીવાર સાપ સાથેની અંધારી કોઠીમાં મૂકી દીધો! અને ત્રીજી વખત એક ભૂખ્યા સાવજની ગુફામાં ફેકી દીધો! પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ એની સહાયતા કરી, એને બચાવી લીધો. નારાયણના સ્વરૂપમાં તેઓ પ્રહ્લાદની સતત રક્ષા કરી રહ્યા હતાં.
- Advertisement -
સિંહાચલમ્ મંદિર પ્રભુ નરસિંહની મૂર્તિ પર ચોવીસેય કલાક ચંદનનો લેપ લગાવી રાખવામાં આવે છે! માત્ર અક્ષયતૃતીયાએ એક દિવસ માટે આ લેપ મૂર્તિ ઉપરથી હટાવવામાં આવે છે.
પ્રહ્લાદને મારવા હેતુ હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને કહ્યું. હોલિકા એને પોતાના ખોળામાં રાખી અગ્નિમાં બેસી ગઈ! આ રીતે, પ્રહ્લાદને સળગાવી મૂકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ પોતે જ ભસ્મ થઈ ગઈ! એ પ્રસંગ પરથી જ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. ભક્ત પ્રહ્લાદને હિરણ્યકશિપુથી બચાવવા માટે જ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો. માન્યતા છે કે હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહના હાથે સંહાર થયા બાદ પ્રહ્લાદે સિંહાચલમ્ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ કાળક્રમે મંદિર ધરતીમાં સમાઈ ગયું.
ઘણા વર્ષો પછી રાજા પુરુરવા એમની પત્ની ઉર્વશી સાથે આકાશ માર્ગે ભ્રમણ કરી રહ્યા હતા, એ દરમિયાન એમનું વિમાન કોઈ કુદરતી શક્તિથી પ્રભાવિત થઈને દક્ષિણના સિંહાચલ ક્ષેત્રમાં જઈ ચઢ્યું! એમણે જોયું કે પ્રભુની પ્રતિમા ધરતીના ગર્ભમાં સમાયેલ છે. એમણે એ પ્રતિમાને બહાર કાઢીને તેના ઉપર જામેલી ધૂળ સાફ કરી. એ જ સમયે અચાનક એક આકાશવાણી થઇ, પ્રતિમાને સાફ કરવાને બદલે એને ચંદનના લેપથી ઢાંકીને રાખવામાં આવે! સાથોસાથ એવી પણ સૂચના મળી કે મૂર્તિના શરીર પરથી વર્ષમાં માત્ર એક વખત, વૈશાખ મહિનાના ત્રીજા દિવસે ચંદનનો આ લેપ કાઢવામાં આવે! અને એક જ દિવસ ભક્તોને પ્રભુની વાસ્તવિક પ્રતિમાના દર્શન પ્રાપ્ત થઇ શકશે.
આકાશવાણીમાં સૂચવ્યા પ્રમાણે જ મૂર્તિ પર ચંદનનો લેપ કરવામાં આવ્યો અને ત્યારથી વર્ષમાં ફક્ત એકવાર લેપ કાઢવામાં આવે છે. એ ઘટના પછી ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આમ તો, ભારતમાં પ્રભુ નરસિંહના ઘણા મંદિરો આવેલા છે, પણ વિશાખાપટ્ટનમનાં સિંહાચલમ્ મંદિરને એમનું ઘર માનવામાં આવે છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિત આ મંદિર વિશ્વના પ્રાચીનતમ મંદિરોમાંનું એક માનવામાં આવે છે! સમુદ્રતટથી 800 ફૂટ ઊંચું અને ઉત્તરીય વિશાખાપટ્ટનમથી 16 કિલોમીટરના અંતર પર આવેલા આ મંદિર સુધી પહોંચવાનો માર્ગ અનાનસ, કેરી વગેરે ફળોના વૃક્ષોથી સુશોભિત છે. રસ્તામાં વટેમાર્ગુઓના આરામ માટે હજારોની સંખ્યામાં મોટા પથ્થરો આ વૃક્ષોની છાયા નીચે સ્થાપિત છે. મંદિર સુધી ચઢવા માટે સીડીઓનો માર્ગ છે, જેમાં વચ્ચે વચ્ચે તોરણ બનેલા છે.
શનિવાર અને રવિવારના દિવસે દેવાલયમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પ્રભુના દર્શન કરવા હેતુ આવે છે. અહીંયા દર્શન કરવા માટેનો યોગ્ય સમય અપ્રિલથી જૂન સુધીનો હોય છે. મંદિરના પરિસરમાં મનાવવામાં આવતું મુખ્ય પર્વ છે, ‘વાર્ષિક કલ્યાણમ’ (ચૈત્ર સુદ એકાદશી) તથા ચંદન યાત્રા (વૈશાખ માસનો ત્રીજો દિવસ)!
ઇસવીસન 1098માં ચોલા રાજ્યના રાજા કુલોથથુંગા દ્વારા શિલાલેખ કોતરાવવામાં આવેલા, જે આ દેવાલયની પ્રાચીનતા દર્શાવે છે. મંદિરમાં એવો શિલાલેખ મળી આવ્યો છે, જેમાં કલિંગ (પ્રાચીન ઓરિસ્સા)ની પૂર્વીય ગંગાની રાણી (વર્ષ 1137 – 1156)ની વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે અન્ય એક શિલાલેખ ઓરિસ્સાનાં પૂર્વીય ગંગા રાજા, નરસિંહદેવ (વર્ષ 1279 – 1306)ના વિષયમાં જણાવે છે. ઈતિહાસ પ્રમાણે, આ દેવાલયના મધ્ય ભાગનું નિર્માણ ઇ.સ. 1267માં કરવામાં આવેલું. મંદિરની દીવાલો પર તેલગુ અને ઉડિયા ભાષાનાં 252 શિલાલેખો છે, જે મંદિરના પૂર્વવર્તી વર્ણવે છે. વર્ષ 1516 થી 1519ની વચ્ચેના સમયગાળામાં રાજા કૃષ્ણદેવરાય મંદિરની મુલાકાતે આવ્યા હતા. એમણે આ દેવસ્થાનમાં કેટલા ય મૂલ્યવાન અલંકારો અર્પણ કર્યા, જેમાં નીલમથી સજ્જ એક બહુમૂલ્ય હાર આજે પણ મંદિરમાં જોઈ શકાય છે! બીજા અનેક રાજાઓને સંબંધિત શિલાલેખ મંદિરમાં પ્રાપ્ય છે. તેનું શિલ્પકામ કોર્ણાકના મંદિર જેવું જ છે. પરિસરમાં પથ્થરનો રથ છે, જેમાં અશ્વો પણ જોડવામાં આવ્યા છે! તદુપરાંત, 16 સ્તંભોથી બનેલો ઓરડો, જેમાં ઉપરોક્ત શિલ્પો અને પાષાણ-પ્રતિમાઓ બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. પાછલી ત્રણ સદીઓથી વિજયનગરના રજવાડી કુટુંબ પુસાપતિ ગજપતિ આ દેવાલયના ટ્રસ્ટી છે. વિજયનગરના છેલ્લા રાજા ડો. પીવીજી રાજૂગારૂએ સિંહાચલમ્ દેવસ્થાન માટે લાખો એકર જમીન દાનમાં આપી દીધી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરમાં મંગલ આરતી થાય છે અને એની સાથે જ ભગવાનના દર્શન શરૂ થાય છે. સવારે 11:30 થી 12:00 અને બપોરે 2:30 થી 3:00 વાગ્યા સુધી બે વાર અડધા કલાક માટે દર્શન બંધ થઇ જાય છે. રાતે 9 વાગ્યે ભગવાનના શયનનો સમય થઈ જતાં મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.