ક્રિકેટની સાથે ડિસીપ્લીનના પાઠ ભણાવતી એકમાત્ર Y.B. સ્પોર્ટસ એકેડેમી
બન્ને દેશ વચ્ચે ત્રણ-ત્રણ મેચ રમશે, સિંગાપોરમાં રવિવારે ફાઈનલ મેચ, બુધવારે થાઈલેન્ડ રમવા જશે
- Advertisement -
વાય.બી. સ્પોર્ટસ એકમાત્ર એવી એકેડેમી છે જેને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એવોર્ડ મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં છેલ્લા 17 વર્ષથી ચાલતી વાય.બી. સ્પોર્ટસ ક્રિકેટ એકેડમીની ટીમ હાલ સિંગાપોર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટમાં ગઈકાલે પ્રથમ મેચ રમાયો હતો. જ્યારે આજે બીજો મેચ અને ત્રીજા મેચનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રમાં પણ ક્રિકેટ મેચનો ક્રેઝ વધી રહ્યો છે અને નેશનલ હોય કે ઈન્ટરનેશનલ લેવલે પણ સૌરાષ્ટ્રના ખેલાડીઓની પસંદગી થઈ રહી છે. હાલ વાય.બી.ક્રિકેટ એકેડેમીના અંડર 16ની ટીમ સિંગાપોર ખાતે મેચ રમી રહી છે જ્યારે આવતા બુધવારે થાઈલેન્ડ રમવા જશે ત્યાં પણ તે ત્રણ મેચ રમશે. એકેડેમીની ટીમ બન્ને દેશોમાં ત્યાંની નેશનલ ટીમ સાથે મુકાબલો કરશે. સિંગાપોર અને થાઈલેન્ડની સરકારે ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપવામાં આવતા સૌરાષ્ટ્રમાંથી વાય.બી એકેડેમીના ખેલાડીઓ રમવા ગયા છે.
છેલ્લા 17 વર્ષથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વાય.બી. સ્પોર્ટસ એકેડેમી ક્રિકેટરો તૈયાર કરી છે. જેના મુખ્ય કોચ યુસુફ બાંભણિયા અને કોચ હિતેન્દ્રસિંહ જાડેજા હેઠળ કેટલાક ખેલાડીઓ તૈયાર થયા છે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય લેવલે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ અંગે વાય.બી.સ્પોર્ટસના મુખ્ય કોચ યુસુફ બાંભણિયાએ ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાય.બી. સ્પોર્ટસ એકમાત્ર એવી એકેડેમી છે જેને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એવોર્ડ પણ મળેલો છે. આ એકમાત્ર એવી એકેડેમી છે જ્યાં બાળકોને ક્રિકેટની સાથે ડિસીપ્લીન પણ શીખડાવવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી આ એકેડેમી ક્રિકેટરોને દેશ વિદેશમાં રમવા જવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. મુખ્ય કોચ યુસુફ બાંભણિયા અને કોચ હિતેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ રણજી પ્લેયર ફિરોઝ બાંભણિયાની અંડર તૈયાર થયેલા ક્રિકેટરો અત્યાર સુધીમાં મલેશિયા, અમેરિકા, યુ.કે., ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને હાલ સિંગાપોર અને થાઈલેન્ડ રમવા ગયા છે. થાઈલેન્ડમાં ત્રણ અને સિંગાપોરમાં ત્રણ ત્રણ મેચ રમશે. યુસુફ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય લેવલે તે ખેલાડી ક્રિકેટ રમી શકે છે જે સ્ટેટ અથવા નેશનલ લેવલે રમી ચુક્યા હોય.
Y.B. સ્પોર્ટસ એકેડેમી 11 ખેલાડીની ટીમમાં કોણ?
કુલ 11 ક્રિકેટરો અંડર 16 ટુર્નામેન્ટ માટે સિંગાપોર અને થાઈલેન્ડ ગઈ છે જેમાંથી 4 ખેલાડી રાજકોટ, 3 કચ્છના અને 4 જસદણના છે. જેમાં રાજકોટના વિરાજ વીરડા જે કેપ્ટનશીપ કરી રહ્યા છે. આ ઉપરાંત મનદીપ માનસુરીયા, મિત શાહ, ઝૈદ બાંભણિયા જસદણના ઓમ તોગડિયા, મીત ચાવડા અને હેત છે જ્યારે કચ્છ જિલ્લાથી ભવિષ્ય જેઠવા, હિનેશ અને ખુશાલ આહીર છે.
- Advertisement -
મુખ્ય કોચ યુસુફ બાંભણિયાનો પરીચય
વાય.બી. સ્પોર્ટસ એકેડેમીના મુખ્ય કોચ યુસુફ બાંભણિયા વિશે જણાવીએ કે, તે વર્ષ 1997થી લઈ 2004 સુધી રણજી ટ્રોફીમાં ક્રિકેટ રમેલા છે. ત્યારબાદ 2005થી ક્રિકેટ કોચિંગના ક્લાસ ચલાવી રહ્યા છે. 9 વર્ષથી યુ.કે.માં કાઉન્ટી ક્રિકેટ રમ્યા છે. યુસુફભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા ઉંમરભાઈ બાંભણિયા ટેનિસ ટ્રોફીના પિતામહ કહેવાય છે અને મારા ભાઈ ફિરોઝ બાંભણિયા પણ રણજી ટ્રોફીના ખેલાડી છે. જે હવે વાય.બી.એકેડેમીમાં ક્રિકેટરોને તૈયાર કરે છે જ્યારે મારા કોચ અને ક્રિકેટ ગુરૂ મહેન્દ્રભાઈ રાજદેવનો હું સદૈવ આભારી રહીશ.
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા સિંગાપોર પહોંચેલી Y.B. સ્પોર્ટસની ટીમનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…