કથામૃત:
ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી એકવાર એમની કચેરીએ બેઠા બેઠા પત્રવ્યવહાર જોઈ રહ્યા હતા. આ સમયે ગામડાનો એક ખેડૂત મહેસુલ ભરવા માટે આવ્યો અને પ્રભાશંકર પટ્ટણીને મળ્યો. ખેડૂતના કપડાં મેલાઘેલા હતાં અને બાલદાઢી પણ વધી ગયા હતાં.
- Advertisement -
ખેડૂત દીવાન સાહેબ પાસે આવીને નીચે જમીન પર બેસી ગયો. દીવાન સાહેબનું ધ્યાન ગયું એટલે એમણે ખેડૂતને કહ્યું, ભાઈ, ત્યાં નીચે કેમ બેસી ગયો ? ખુરશી ઉપર બેસ. ખેડૂતે નીચે બેઠાબેઠા હાથ જોડીને જ કહ્યું, માઇબાપ, આપના જેવા મોટા માણસની સામે ખુરશી ઉપર કેવી રીતે બેસી શકાય ? પ્રભાશંકર પટ્ટણીએ કહ્યું, ભાઈ, તું ભાવનગર રાજ્યનો ખેડૂત છો. આ રાજ્ય તારા જેવા ખેડૂતોને કારણે તો ઊજળું છે. તમે જે મહેસુલ ભરો છો, એમાંથી જ અમારો પગાર થાય છે.
એટલે મારા માટે તો તું અન્નદાતા પણ છો. માટે તને કહું છું કે ખુરશી ઉપર બેસ. ખેડૂતે પણ દીવાન સાહેબ પ્રત્યે પોતાનો આદર વ્યકત કરતા કહ્યું, સાહેબ, આ તો આપના જેવા દરિયાદિલ માણસની ખાનદાની છે. પણ અમે તો નીચે બેસીએ એ જ સારું છે. તમે મને ઉપર બેસાડવાનો આગ્રહ શા માટે રાખો છો? પ્રભાશંકર પટ્ટણીએ કહ્યું, ભાઈ, આજે આ ઊંચી ખુરશી પર બેઠો છું, એ તમારા લીધે જ છે. જો હું તને નીચે બેસાડું તો મને મારો ભગવાન પણ નીચે બેસાડી દે.
બોધામૃત
- Advertisement -
જીવનમાં કોઈ ઊંચા સ્થાન પર પહોંચીએ, ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીની આ વાત યાદ રાખીએ. અને સામાન્ય માણસને પણ આદર આપતા શીખીએ. નહીં તો કુદરત આપણને અસામાન્યમાંથી સામાન્ય ક્યારે બનાવી દેશે, એની ખબર પણ નહીં પડે