14 લાખ ઉછીના લીધાં, પરત આપવાની તારીખ આવતાં ક્રાઈમ બ્રાન્ચ પર દોષનો ટોપલો ઢોળી દીધો
પૈસા પરત ન આપવા પડે એ માટે હાલ ચાલતાં ‘હવાલા વિવાદ’નો આશરો લીધો
- દિપક તન્નાએ કરી ખોડુ મુંધવા સાથે છેતરપિંડી
- ખોડુ મુંધવા પાસે તમામ પ્રકારનાં પુરાવા
રાજકોટ પોલીસ કમિશનર પર ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ રાજકોટના અન્ય પોલીસકર્મીઓના ભોપાળા અને કાંડ બહાર આવી રહ્યા છે. પોલીસના દમનનો ભોગ બનેલા એક પછી એક ફરિયાદીઓ મીડિયા સમક્ષ આવીને ચોંકાવનારા ખુલાસાઓ અને આક્ષેપો કરી રહ્યા છે જેમાંથી કેટલાક ખુલાસાઓ અને આક્ષેપો તદ્દન પાયવિહોણા – બેબુનિયાદ છે. રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચ પર થઈ રહેલા ખુલાસાઓ તથા આક્ષેપોની વહેતી ગંગામાં કેટલાક લેભાગુ તત્વો પણ હાથ ધોઈ રહ્યા છે હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રાજકોટના એક વેપારી દિપક તન્નાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર ખોટા આક્ષેપ કર્યા છે કે, તેમને દબાણ કરીને ધમકાવીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ખોડુભાઈ મૂંધવા પાસેથી હવાલો લઈ 14 લાખના કોરા ચેકમાં સહી કરાવી છે. દિપક તન્નાનો આ આક્ષેપ તદ્દન ખોટો છે કેમ કે, દિપક તન્નાએ નોટરી કરીને ખોડુભાઈ મુંધવા પાસેથી 14 લાખ રૂપિયા કાયદેસર લીધા હતા. દિપક તન્નાએ મીડિયાને ગેરમાર્ગે દોર્યું જેના પુરાવાઓ ખોડુભાઈ મુંધવા ખાસ-ખબર સમક્ષ રજૂ કર્યા છે.
બનાવની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ સામે ખોટા આક્ષેપો કરનાર વેપારી દિપક તન્નાના પુત્ર યશ તન્નાએ ટ્રાવેલિંગનો ધંધો શરૂ કર્યો હતો. તેથી યશ તન્નાએ ખોડુભાઈ પાસેથી મિત્રતાનાં નામે કટકેકટકે 14 લાખ રૂપિયા લીધા હતા.
- Advertisement -
આ ઉપરાંત ખોડુભાઈ મૂંધવાએ રજૂ કરેલા પુરાવાઓમાં લખ્યું પણ છે કે, પુત્ર યશનો ધંધામાં ખોટ આવે કે ધંધો ઠપ થઈ જાય તો પિતાની દ્રષ્ટિએ દિપક તન્નાએ કબુલાત કરી છે કે લીધેલી રકમ નિયત સમયમાં ચુકવી ન શકે તો તેમની સામે ફોજદારી તથા દિવાની રાહે પગલા લઈ શકો છો. તેમજ ઉપજતાં તમામ ખર્ચ અને પરિણામની જવાબદારી પણ અમારી રહેશે. દિપક તન્નાએ ખોડુભાઈ મૂંધવા પાસેથી લીધેલી રકમ 18 માસે ચુકવવાનું નક્કી કરેલું હતું. દિપક તન્નાએ ખોડુભાઈને બેંકના સહી કરેલા કોરા ચેક પણ આપ્યા હતા. પરંતુ રૂપિયા ચુકવવા ન પડે તે માટે દિપક તન્નાએ 18 માસ પૂરા થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચના નામે આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. દિપક તન્નાએ વકીલ પાસે કરાવેલા દસ્તાવેજોને અવગણીને ક્રાઈમ બ્રાન્ચના નામે સમગ્ર મામલાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 14 લાખ તડફાવીને ક્રાઈમ બ્રાન્ચના નામે છટક બારીનું ચોકઠું ગોઠવતા દિપક તન્નાને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક સબક શીખવવો જોઈએ. દિપક તન્નાની ખોટી આક્ષેપબાજીથી જનતા સામે પોલીસ વિભાગની છબી પણ ખરડાઈ છે. ભવિષમાં અન્ય કોઈ વ્યક્તિ આવી હિંમત ન કરે તે માટે રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર મામલાની તપાસ હાથ ધરવી જોઈએ અને ખોડુભાઈને ન્યાય અપાવીને દિપક તન્ના જેવા તત્વોને ડામવા જોઈએ.
ખોડુ મુંધવા પાસે પુરાવાનો ઢગલો
વેપારી દિપક તન્નાએ ધંધામાં જરૂરિયાત હોવાથી ખોડુભાઈ મૂંધવા પાસેથી 14 લાખ રૂપિયા ઉછીના લીધેલા હોવાની તેમજ આ રકમ લીધાની કાયદેસરની કબૂલાત કરી હોવાની તથા ઉછીની રકમ લીધા બદલ ચેક આપ્યા હોવાની સમગ્ર નોટરી થયેલી છે. દિપક તન્ના અને ખોડુભાઈ મૂંધવા વચ્ચે પૈસાની લેતીદેતીનો આર્થિક વ્યવહાર પારદર્શી છે ઉપરાંત તેમાં ક્રાઈમ બ્રાન્ચને કોઈ લેવાદેવા નથી. આ આખા મામલાના તમામ પુરાવાઓ ખોડુભાઈ મૂંધવા પાસે છે. દિપક તન્નાએ ખોડુભાઈ મૂંધવા પાસેથી લીધેલી રકમ પરત ન આપવા જ ક્રાઈમ બ્રાન્ચને સમગ્ર મામલામાં સાંકળીને સૌને ગેરમાર્ગે દોરી દીધા છે અને પૈસા પરત ન કરવા પડે તે માટે ખોડુભાઈ અને ક્રાઈમ બ્રાન્ચ પર ખોટા આક્ષેપો કર્યા છે.
- Advertisement -
દિપક તન્નાએ ખોડુ મુંધવા અને ક્રાઈમ બ્રાન્ચ સામે ખોટા આક્ષેપો કરી મીડિયાને ઉલ્લુ બનાવ્યું!
ક્રાઈમ બ્રાન્ચ પર હવાલા લેવાના અને પૈસા ઉઘરાવવાના ખોટા આક્ષેપો કરી દિપક તન્નાએ મીડિયાને ગેરમાર્ગે દોર્યું છે. અમુક મીડિયામાં દિપક તન્નાએ કરેલા ક્રાઈમ બ્રાન્ચના આક્ષેપોને સત્ય માની લેવામાં આવ્યા છે જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરતા હકીકત કંઈક અલગ જ માલૂમ પડે છે. દિપક તન્નાએ ખોડુભાઈ મૂંધવા પાસેથી ઉછીની લીધેલી રકમ હવે ખોડુભાઈ મૂંધવા વતી હવાલો લઈ ક્રાઈમ બ્રાન્ચ ખોટી રીતે ઉઘરાવતી હોવાનો જે આક્ષેપ થઈ રહ્યો છે તેમા જરીકે તથ્ય નથી. આ આખા મામલામાં તપાસ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી જાય છે પરંતુ દિપક તન્નાએ ખોડુભાઈ મૂંધવા પાસેથી ઉછીની લીધેલી રકમ પરત ન આપવી પડે તે માટે ચતુરાઈપૂર્વક ક્રાઈમ બ્રાન્ચને સાંકળી મીડિયાને પણ ઉલ્લુ બનાવ્યું છે.