પોરબંદરમાં ફૂડ વિભાગની પસંદગીય કાર્યવાહી સામે આક્રોશ
મોટી રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનો સામે કેમ કડકાઈ નથી?
લોકોના આરોગ્ય સાથે ચેડાં, નકલી પનીરનું ખુલ્લેઆમ વેચાણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જન્માષ્ટમી તહેવાર સૌરાષ્ટ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે. શહેરમાં લોકમેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ પોતાની ‘પસંદગીય કાર્યવાહી’ને કારણે ચર્ચામાં આવ્યું છે. ફૂડ વિભાગ કામગીરી કરે છે, પરંતુ મુખ્યત્વે નાના રેકડીધારકો અને સોડા શોપ પર જ નિયમો બતાવી દંડ ફટકાવે છે. ત્યારબાદ, જાણે કોઈ મોટી કાર્યવાહી થઈ હોય તેમ અનેક એંગલથી ફોટા પાડી પ્રેસનોટ જાહેર કરે છે. પ્રશ્ર્નએ છે કે મોટા રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાનો કે અનલિમિટેડ પિઝા સેન્ટર્સ પર આ જ કડકાઈ કેમ નથી દેખાતી? પોરબંદર શહેરમાં નકલી પનીર સહિત અખાદ્ય પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે રમતાં તત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે ફૂડ વિભાગ ‘મોટા બાઘડબિલા’ પર મૌન છે – જે અંગે શહેરીવાસીઓમાં મનપાની પસંદગીય કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
અમારી પાસે નમૂનો લેવાની સત્તા નથી : હસમુખ પ્રજાપતિ
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતાં ફૂડ વિભાગને વધુ સતર્ક થવા તથા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા ફૂડ વિભાગને સુચના આપવામાં આવી છે. પોરબંદર મનપા બન્યા બાદ ફૂડ વિભાગમાં નવી નિમણૂકો કરવામાં આવી છે, પરંતુ હાલ ફૂડ સેમ્પલ્સ લેવાની સત્તા અમારી પાસે નથી. આથી, જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
માસિક ટાર્ગેટ પૂરો કરવા કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ
પોરબંદર મહાનગરપાલિકા સ્થાપના બાદથી ફૂડ વિભાગ દર મહિને ટાર્ગેટ મુજબની કાર્યવાહી જ કરતું હોવાનો આક્ષેપો થયા છે. મોટા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યાવસાયિકો સામે પણ નિયમોનો અમલ થાય તો શહેરવાસીઓના આરોગ્ય સાથેના ચેડાં અટકી શકે.
નાની કાર્યવાહીના અનેક ફોટા પાડી પ્રેસનોટ જાહેર કરવા પાછળનો હેતુ શું?



