દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી ગઈંજનો દાવો: સતત વધતી જાહેર ઉપસ્થિતિ અને વિદેશ પ્રવાસોના આધારે કાઢવામાં આવ્યું તારણ
ખાસ-ખબર ન્યૂઝ ઉત્તર કોરિયા, તા.13
- Advertisement -
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની 13 વર્ષની દીકરી કિમ જૂ એને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ગુરુવારે સાંસદોને આપેલી માહિતીમાં આ દાવો કર્યો હતો.
દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસએ જણાવ્યું કે કિમ જૂ એની સતત વધતી જાહેર ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આકલન કરવામાં આવ્યું છે. ગઈંજ એ કહ્યું કે તેણે ઘણી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિષ્કર્ષ કાઢ્યો છે. જેમાં સત્તાવાર કાર્યક્રમોમાં કિમ જૂ એની મુખ્ય ઉપસ્થિતિ પણ શામેલ છે.
તાજેતરના મહિનાઓમાં જૂ એ ઘણા મોટા કાર્યક્રમોમાં પોતાના પિતા સાથે જોવા મળી છે. સપ્ટેમ્બરમાં બેઇજિંગ પ્રવાસ દરમિયાન પણ તે કિમ જોંગ ઉન સાથે દેખાઈ હતી. આ તેમનો પહેલો વિદેશી પ્રવાસ હતો, જેની માહિતી સામે આવી.
ગઈંજએ એમ પણ કહ્યું છે કે તે આ વાત પર નજર રાખશે કે શું જૂ એ આ મહિને યોજાનાર પાર્ટી સંમેલનમાં ભાગ લે છે. આ ઉત્તર કોરિયાનો સૌથી મોટો રાજકીય કાર્યક્રમ છે, જે દર પાંચ વર્ષે એકવાર થાય છે.
આ જ પાર્ટી સંમેલનમાં પ્યોંગયાંગ આગામી પાંચ વર્ષ માટે પોતાની પ્રાથમિકતાઓ જેવી કે- વિદેશ નીતિ, યુદ્ધની તૈયારી અને પરમાણુ કાર્યક્રમ પર વિસ્તૃત માહિતી આપી શકે છે. દક્ષિણ કોરિયાના સાંસદ લી સોંગ-ક્વેને ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે ગઈંજ એ અગાઉ જૂ એને ઉત્તરાધિકારી બનવાની તાલીમ લઈ રહી છે તેમ જણાવ્યું હતું. હવે એજન્સીનું માનવું છે કે તે ઔપચારિક રીતે ઉત્તરાધિકારી જાહેર થવાના તબક્કામાં પહોંચી ગઈ છે.
લીએ કહ્યું, કિમ જૂ એ ઘણા મોટા કાર્યક્રમોમાં તેમના પિતા સાથે જોવા મળ્યા છે. તેઓ કોરિયન પીપલ્સ આર્મીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને કુમસુસાન પેલેસ ઓફ ધ સન પણ ગયા હતા. કેટલીક સરકારી નીતિઓ પર તેમના મંતવ્યો સામે આવવાના સંકેતો પણ મળ્યા છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેતા ગઈંજ માને છે કે હવે તેમને ઉત્તરાધિકારી તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.
કિમ જૂ એની ચીન યાત્રાએ સવાલો ઉભા કર્યા હતા કે શું કિમ પોતાની પુત્રીને ભવિષ્યના ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા છે. નિષ્ણાતોનું પણ માનવું હતું કે જૂને ચીન લઈ જવું એ તેમની વધતી હેસિયતનો સંકેત છે.
બીજિંગ રેલવે સ્ટેશન પર તેમને પોતાના પિતા સાથે ઉભેલા જોઈને તે સ્પષ્ટ થઈ ગયું હતું કે વિદેશમાં પણ તેમને ઉત્તર કોરિયાના નંબર 2 માનવામાં આવી રહ્યા છે. આ રીતે કિમ જોંગ-ઉને દુનિયાને સંદેશ આપ્યો હતો કે જૂ એ તેમની ઉત્તરાધિકારી બનશે.



