18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ 2.0નું આયોજન કરવામાં આવશે
પ્રાથમિક વર્ગોમાં 100% બાળકોની નોંધણી એ અમારું લક્ષ્ય છે -શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં 17માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ,સાંસદો,ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ ઈંઅજ-ઈંઙજ-વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ (23, 24, 25 જૂન, 2022) શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ,સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. આ દરમિયાન, દર ત્રીજી શાળામાં ક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને 24 જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવેતે સુનિશ્ચિત કરે છે.
ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જ અમારુ લક્ષ્ય છે. પ્રાથમિક શાળાઓમાં ભણવા આવતા આ બાળકો આપણા રાજ્ય અને દેશનું ભવિષ્ય છે. તેથી, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના સ્તરે સુનિશ્ચિત કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે. આ વખતે અમારું લક્ષ્ય 100% પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનું છે.