મોટાભાગના માછીમારો સલામત સ્થળે પહોંચ્યા હોવાનો તંત્રનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
અરબી સમુદ્રમાં હવામાનની અસ્થિર પરિસ્થિતિને પગલે પોરબંદરના બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. પોર્ટ વિભાગ દ્વારા દરિયામાં ભારે કરંટ હોવાની શક્યતા જણાવી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ફિશરીઝ વિભાગ દ્વારા સોમવારથી બોટના ટોકન ઈસ્યૂ કરવાનું બંધ કરવામાં આવ્યું છે અને માછીમારોને તરત જ દરિયાથી પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે.
કુલ 2,400 બોટમાંથી આશરે 700 બોટ પોરબંદર બંદર પર પરત પહોંચી ગઈ છે, જ્યારે લગભગ 1,700 બોટ નજીકના અન્ય બંદરોએ આશરો લીધો છે અને બધા માછીમારો સલામત હોવાનું ફિશરીઝ વિભાગે જણાવ્યું છે.
- Advertisement -
એલર્ટ મળ્યા બાદ વિભાગ તરફથી દરિયાઈ માછીમારોને ફોન દ્વારા સંપર્ક કરી તાત્કાલિક પરત આવવા માટે સૂચના આપવામાં આવી હતી. વિભાગના જણાવ્યા મુજબ, ઘણા માછીમારો પરત આવી ગયા છે, પરંતુ તેઓએ હજી રિટર્ન એન્ટ્રી કરાવી નથી. તેથી તંત્ર દ્વારા માછીમારોને બંદર પર આવી તેમની રિટર્ન એન્ટ્રી ફરજીયાત રીતે નોંધાવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં દરિયામાં 3 નંબરનું સિગ્નલ યથાવત છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આવતા દિવસોમાં પણ દરિયાઈ પરિસ્થિતિ અસ્થિર રહેવાની શક્યતા છે.
તેથી તંત્ર દ્વારા માછીમારોને હજી પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.



