ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
સામાન્ય રીતે દીકરીઓ કોમ્પ્યુટર વર્લ્ડ અથવા તો ડોક્ટર એન્જિનિયર સહિતની ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવતી હોય છે. પણ રાજકોટની એક દીકરીએ હાથમાં પિસ્તોલ ઉપાડીને રાજકોટ તેમજ દેશને ગૌરવ અપાવ્યું છે. રાજકોટની સિયાએ પિસ્તોલ શૂટિંગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ગોલ્ડ મેડલ મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં રહેતી ડાંગર સિયા છેલ્લા એક વર્ષથી પિસ્તોલ શૂટિંગ કરી રહી છે. સિયાએ 10 મીટર પિસ્તોલ શૂટિંગમાં સબ યુથ વુમન કેટેગરીમાં શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 12 વર્ષની સિયાએ નેશનલ રૂલ્સ એટલે કે ગછ કેટેગરિમાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
સિયા ડાંગરે ગયા વર્ષે યોજાયેલા ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં તેને રાષ્ટ્રીય કક્ષાએ અંડર-14 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ જિલ્લા કક્ષાએ પણ તેને 6 મેડલ મેળવ્યા હતા. સિયા ડાંગર પિસ્તોલ શૂટિંગની પ્રેક્ટિસ માટે દરરોજ 1થી 2 કલાકની મહેનત કરે છે. સિયા ડાંગરે 12 વર્ષની ઉંમરમાં ગોલ્ડ મેડલ મેળવીને વિક્રમ સર્જયો છે. સિયા આગળ જતા આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયાને રિપ્રઝન્ટ કરવા માંગે છે. જેના માટે તે અત્યારથી જ તૈયારી કરી રહી છે. સિયાના આ પરાક્રમથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ સિયાને સ્પોર્ટ્સમાં આગળ વધતી જોવા માંગે છે.