ગઈકાલે ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો: પ્રભુતામાં પગલાં પાડનાર 10 યુગલોને રમેશભાઈ ઓઝાએ આશીર્વાદ આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના સૌજન્ય – સહયોગથી રાજકોટના રેસકોર્સ મેદાન અયોધ્યાનગરી ખાતે તા. 17 થી 24 જાન્યુઆરી દરમિયાન વિદ્વાન કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના હજારો ધર્મનુરાગી શ્રોતાઓ આ પ્રેરણાદાયી કથા પ્રસાદ અને કથા વિરામમાં દરરોજ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આજે તારીખ 24 કથાયાત્રા અંતિમ ચરણોમાં છે.
રામભાઈ મોકરીયા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં સતત સાતમાં દિવસે રાજકોટના શ્રદ્ધાળુ ભક્તજનોએ પૂ. ભાઈશ્રીની અલૌકિક અમૃત વાણીનો લાભ લીધો હતો અને ભાગવત સપ્તાહના સાતે-સાત દિવસો દરમીયાન રેસકોર્સ મેદાન જાણે ખરેખર અયોધ્યા નગરી સ્વરૂપ બની હોય તેવો ધાર્મિક માહોલ છવાયો હતો. ભાગવત સપ્તાહ અંતર્ગત તા.23 જાન્યુઆરીના રોજ શાસ્ત્રી મેદાન ખાતે સેવાના પ્રકલ્પરૂપે આયોજિત થયેલા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં પૂ. ભાઈશ્રી પોતાનો અમુલ્ય એવો કીમતી સમય આપી હાજર રહ્યા હતા અને 25 નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. પ્રભુતામાં પગલા પાડનાર આ નવયુગલોએ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ગઈકાલ મંગળવારે, કથાના સાતમા દિવસે કથા પ્રારંભમાં પૂ. ભાઈશ્રીએ કહ્યું કે, પ્રત્યેક માનવીએ મંદિરની ગરિમાનો ખ્યાલ રાખવો જોઈએ, મંદિરની પવિત્રતા જાળવી રાખવી, મંદિર હંમેશા સ્વચ્છ રાખવું, તેમાં સ્થાપિત ગાદી નથી વ્યાસપીઠ છે, મંડળ નથી મંદિર છે, ગાદી નથી ગોવિંદ છે. પ્રેમના પાયા ઉપર મંદિર ઉભું થાય, જ્યાં પ્રેમ હોય છે ત્યાં ત્યાગ કરવો પડતો નથી, ત્યાગ પ્રેમની શરત નથી, સ્વભાવ છે. પ્રેમના પાયા ઉપર ઉભેલા પરિવારના નિવાસસ્થાનમાં શ્રીરામની પ્રતિષ્ઠા કરો, બધાને આનંદની અનુભૂતિ થશે, પરિવારના પ્રેમની અને સમર્પણની ભાવના જીવંત રહેશે.
પૂજ્ય ભાઈશ્રીએ ગઈકાલે શાંત તથા પ્રવાહ દરમિયાન ભાગવત અને રામાયણ ગ્રંથની કેટલીક પ્રેરણાદાયી વાતો કરતાં કહ્યું કે જે જાગે છે તેને પરમાત્માના દર્શન થાય છે, જે સુતેલા છે તેને સંસાર મળે છે. આ મોહરૂપી રાત્રિમાં સુઈ રહેનારા અનેક પ્રકારના સ્વપ્નમાં રાચે છે, ભોગ ભોગવે છે, વાસના વધારે છે, એમાં જ રચ્યા પચ્યા રહે છે અને તેથી તે સદા ઊંઘતા રહે છે, પણ જે યોગી છે, જ્ઞાની છે, પરમાર્થી છે, ભક્ત છે, જેણે માયાના પ્રપંચને દૂર કર્યો છે તે આ સંસારમાં જાગે છે. વિષય ભોગનો જે ત્યાગ કરે છે, જેના હૃદયમાં સંસાર પ્રત્યેની કોઈ આસક્તિ રહેતી નથી. તે આ જગતમાં જાગ્યો છે, સુતેલો સંસાર સુખ ભોગવે છે અને જાગેલો પરમાત્માનો આનંદ અનુભવે છે, જાગનારને ઈશ્ર્વરના દર્શન થાય છે. જે કામને આધીન છે તે સુતેલો છે, જેનો મોહ છૂટી ગયો છે, જેનામાં વિવેક-વૈરાગ્ય સ્થિર થયા છે, તે જાગ્યો છે, તેને જ પરમાત્માની પ્રીતિ થાય છે. જીવ ન જાગે ત્યાં સુધી એને પરમાત્માના દર્શન થતાં નથી. રામ વનવાસ સમયે ભરત રાજા બનવાની ના પાડે છે અને શ્રીરામને કહે છે, આપ ભૂપતિ પૃથ્વીના પતિ છો, આપની ગેરહાજરીમાં દુષ્ટ લોકો પૃથ્વીને ધરાતાર કરવાની કોશિશ કરશે, પૃથ્વી આપણી માતા છે, દુષ્ટ લોકો પૃથ્વીનો ભોગ કરવા માંગે છે, પૃથ્વી પાસે માનવીની આવશ્યકતાઓ પૂરી કરવા માટે ખૂબ છે, પાણી આપે છે, અનાજ આપે છે અને ‘યજ્ઞ-સત્કર્મ’ કરશો ત્યાં સુધી વરસાદ વરસતો રહેશે. – રામચરિતમાનસ કહે છે કે, બીજાનું હિત કરવા જેવો કોઈ ધર્મ નથી. – ખેડૂત જગતનો તાત છે, તેની ખેતીની ઉપજમાંથી ભગવાનનો ભાગ કાઢે છે. જોકે આ પરંપરા આજકાલ નહિંવત છે.
- Advertisement -