પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમરે સરકારને રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના ખેડૂતો હાલ યુરિયા ખાતરની ભારે અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે કપાસ સહિતના પાકને ગંભીર નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર દ્વારા કૃષિ અને સહકાર વિભાગના સચિવને પત્ર લખીને તાત્કાલિક યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ પોતાના પાકનું વાવેતર તો કરી દીધું છે, પરંતુ પાયાનું ખાતર (યુરિયા) ન મળવાના કારણે ખેતીના પાકને ભારે મોટી અસર થઈ શકે તેમ છે. હાલ અતિવૃષ્ટિના કારણે પણ યુરિયા ખાતરની સતત મુશ્કેલી ચાલી રહી છે. ખાસ કરીને કપાસના પાકમાં જો યુરિયા સમયસર આપવામાં નહીં આવે, તો પાકને ભારે અસર થઈ શકે છે.
- Advertisement -
વીરજીભાઈ ઠુંમરે રજૂઆત કરી છે કે, આ સંજોગોમાં ગુજરાતના ખેડૂતોને, અને ખાસ કરીને અમરેલી જિલ્લાને, પૂરતા જથ્થામાં યુરિયા મળે તે ખૂબ જરૂરી છે. તેમણે તમામ ઉત્પાદન કરતી સહકારી સંસ્થાઓ, ગુજરાત સરકારની કંપનીઓ અને કેન્દ્ર સરકારની કંપનીઓ તેમજ સમયસર વેચાણ કરતી સંસ્થાઓને યુરિયા પૂરું પાડવા માટે સચિવ તરફથી તાત્કાલિક સૂચનાઓ જારી કરવા વિનંતી કરી છે. પૂર્વ ધારાસભ્યે તાત્કાલિક પગલાં લઈને સંબંધિત સંસ્થાઓને સૂચના આપીને વહેલી તકે ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા ભારપૂર્વક જણાવ્યું છે. ખેડૂતોના હિતમાં આ મુદ્દે સરકાર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.