દર્દીઓને ફરજિયાતપણે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી પડે છે
સામાજિક કાર્યકરોની CM, આરોગ્ય તંત્ર અને ધારાસભ્યને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ હોવા છતાં હજુ સુવિધા બાબતે માત્ર તાલુકા કક્ષાની સુવિધા હોય તેવી જ સુવિધા અહીં છે. આજે મોરબી સિવિલમાં કેટલીક અગત્યની દવાનો સ્ટોક ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સાવ સામાન્ય રોગોની પણ દવા ઘણા લાંબા સમયથી ન હોવાથી ગરીબ દર્દીઓ બહારના મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવની દવાઓ લેવા મજબુર બન્યા છે.
મોરબીની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાંક સમયથી સામાન્ય રોગોની પણ દવા નથી. આવા સામાન્ય રોગોની દવા માટે ખાનગી મેડીકલ સ્ટોર પર નિર્ભર રહેવું પડે છે અને ઉંચા ભાવે દવા લેવી પડે છે તેમજ ગરીબ માણસો પાસે દવા લેવાના પણ પૈસા નથી હોતા, તેઓ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઇ શકતા નથી જેથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત સિવિલમાં અનેક દવાઓ જેમ કે નાક-કાન-ગળાના રોગના ટીપા વગેરે તથા બીજી નાની મોટી દવા માટે પણ મેડીકલ સ્ટોરમાં ઉંચા ભાવે દવા લેવી પડી રહી છે. આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ તથા ધારાસભ્ય અમૃતિયા આ બાબતે રસ લે અને સિવિલ હોસ્પિટલની અઠવાડીયે પંદર દિવસે એક મુલાકાત લે, અચાનક રાત્રીના સમયે ચેકિંગ હાથ ધરે તો હકિકત સામે આવશે તેવી માંગ મોરબીના રાજુભાઈ દવે સહિતના સામાજીક કાર્યકરોએ કરી છે.