સરા નાકા પાસેની દુકાનોમાં અધિકારીઓ દ્વારા ચેકીંગ, વેપારીઓને જીએસટી નંબર મેળવી લેવા સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના સરા નાકા પાસે આવેલી અનાજ કરિયાણા તેમજ પાન બીડીની દુકાનોમાં મંગળવારે ધ્રાંગધ્રાના જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટી નંબર મામલે ચેકિંગ કરવામાં આવતા મોટાભાગના વેપારીઓ દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. અગાઉ પણ જીએસટીના અધિકારી દ્વારા 10 થી વધુ વેપારીઓને જીએસટી નંબર મેળવી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી પરંતુ વેપારીઓએ જીએસટી નંબર ન લેતા જીએસટી વિભાગના અધિકારીએ વેપારીઓને જીએસટી નંબર મેળવી લેવા માટે તાકીદ કરી હતી. અન્યથા આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
- Advertisement -
હળવદમાં ઘણા બધા અનાજ-કરિયાણાના વેપારીઓ જીએસટી નંબર વિના કાચાં બિલો ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. વેપારીઓ તેમજ પાન બીડીના હોલસેલ વેપારીઓ દ્વારા જીએસટી નંબર નહીં લેવામાં આવતા ધ્રાંગધ્રા જીએસટીના કચેરીના અધિકારીએ 10 જેટલા કરિયાણાના વેપારીઓને નોટિસ આપી હતી તેમ છતાં અનાજ કરિયાણાના વેપારીઓએ જીએસટી નંબર ન લીધા ન હતા ત્યારે હળવદ શહેરના સરા નાકા સહિતના અલગ અલગ વિસ્તારમાં મંગળવારે બપોર બાદ ધ્રાંગધ્રાના જીએસટી વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા હતા જેના પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને મોટાભાગના વેપારીઓ દુકાનો બંધ કરીને નીકળી ગયા હતા. જીએસટીના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ જીએસટી નંબર મેળવી લેવા માટે વેપારીઓને નિર્દેશ કર્યો છે અને આગામી દિવસોમાં ફરી ચેકિંગ કરવામાં આવશે જે દરમિયાન જીએસટી નંબર નહીં મળે તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.