શામજી એન્ડ ગેંગે ફરી લખ્ખણ ઝળકાવ્યા
શામજીનો ગુનાહીત ઈતિહાસ, અનેકવાર પોલીસ ચોપડે ચડયો છે: ફરી થોરાળા પોલીસે નોંધી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અવારનવાર ગુના આચરતો અને અગાઉ પણ અનેકવાર પોલીસ ચોપડે ચડી ગયેલા શામજી મકા મકવાણાએ ફરી પોતાના લખણ ઝળકાવ્યા છે. હરેશ કનજીભાઈ પરમારે થોરાળા પોલીસ સ્ટેશનમાં શામજી મકા મકવાણા સહિત અન્ય છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હરેશભાઈ છૂટક મજૂરી કામ કરે છે અને તેમને એક દુકાન પણ છે જ્યાંથી આરોપી કેવલ સોંદરવા અવારનવાર પૈસા આપ્યા વગર ચીજવસ્તુ લઈ જતો હોઈ તેની ઉઘરાણી અને સમજાવવા જતાં કુલ 6 લોકોએ હરેશભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી કેવલ સોંદરવા હરેશભાઈ પરમારની દુકાનેથી ચીજવસ્તુ પૈસા વગર લઈ જતાં જેથી હરેશભાઈ અન્ય આરોપી શામજી મકવાણાના ઘરે સમજાવવા ગયા હતા ત્યારે આરોપી કેવલ સોંદરવા, શામજીભાઈ મકાભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઈ ચૌહાણ, અજયભાઈ જાદવ, નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઈ મકવાણા, રોહીત ઉર્ફે બાઠી રાઠોડે ફરિયાદી હરેશભાઈ પરમારને શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂંઢ માર મારી ઈજાઓ પહોંચાડી તેમજ આરોપીઓમાંથી કોઈએ હરેશભાઈના ગળામાંથી દોઢેક તોલાનો સોનાનો ચેન અને મોબાઈલ ફોન ઝૂંટવી લઈ કુલ આશરે 1,14,500નો મુદ્દામાલ બળજબરીથી ઝૂંટવી લીધો હતો. જેને લઈને પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 189(2), 191(2), 190, 115(2) 352, 119(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
શામજીનો ગુનાઇત ભૂતકાળ થોરાળા પોલીસ પર કર્યો’તો હુમલો
થોરાળા વિસ્તારમાં શામજી મકાએ દારૂનો ધંધો છૂટથી કરવા માટે અને પોલીસ ન આવી શકે એ કારણથી પતરાની આડશ નાખીને આખો રોડ જ બ્લોક કરી દીધો હતો. પોલીસ જ્યારે આડશો હટાવવા રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સાથે ત્યાં પહોંચી ત્યારે આરોપીઓએ ઈરાદાપૂર્વક વાતાવરણ ડહોળ્યું હતું. વાસ્તવમાં શામજી મકાના અનેક પરિવારજનો વિરુદ્ધ છેલ્લા થોડા સમયમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે તેનો ખાર રાખી આખો ખેલ પાડવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં શામજીના ભાભી સામે દારૂનો ગુનો નોંધાયો છે. શામજીના ભત્રીજા સામે દારૂના પીઠાનો ગુનો નોંધાયો છે. અન્ય એક ભત્રીજા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, એક પરિવારજનને 59 નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લેવાયો હતો. આટલું જાણે ઓછું હોય તેમ અમૂલ સર્કલ પાસે શામજીના સગા દિલીપ ચૌહાણે એક વ્યક્તિનું અપહરણ કરીને તેને ઢોરમાર માર્યો હતો અને ટોળકીએ સામેથી 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી તેની સામે છેડતીનો આક્ષેપ કર્યો હતો. પી.આઈ. ઝણકાટે સીસીટીવી વગેરેની તપાસ કરતાં આ ટોળકીના પાપ છાપરે ચડી પોકાર્યા હતા અને તેમણે આ ટોળકીના કુલ 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો જેમાં શામજીના ભાઈ ગુલી અને જીવણ પણ આરોપી હતા. તેમાંથી આઠ લોકો તો પકડાઈ પણ ચૂક્યા છે આમ આવા શ્રેણીબદ્ધ કારણોથી શામજી એન્ડ ગેંગ બરાબર ગીન્નાઈ હતી. અગાઉ ફિનાઈલ જેવું પ્રવાહી ગટગટાવીને ખેલ કરનાર કેવલ સામે પણ 326 તથા 302 સહિત 12થી 15 ગુના નોંધાયેલા છે.



