ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક સડક પર શનિવારની રાતે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને અન્ય બે લોકો ઘાયલ થયા હતાં. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતુું કે તેમણે રાતે લગભગ આઠ વાગ્યે ગુડ હોપ રોડ સાઉથ ઇસ્ટના 1600 બ્લોકમાં ગોળીઓનો અવાજ સંભળાયાની માહિતી મળી હતી.પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો તેને ત્યાં પીડિતો મળી આવ્યા હતાં.
મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટના એક્ટિંગ ચીફ પામેલા સ્મીથે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળે બે પુરુષો અને એક મહિલા મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં અન્ય બે ઘાયલ પુરુષોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં. સ્મિથે વધુમાં જણાવ્યું હતું કે કોલંબિયા જિલ્લામાં આ પ્રકારની હિંસા કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ કોઇ યુદ્ધ ક્ષેત્ર નથી. અમે ઇચ્છીએ છીએ કે અમારા નાગરિક સુરક્ષાનો અનુભવ કરે. સ્મિથે આ ઘટનાના સાક્ષીઓને આ ઘટનાની તપાસમાં મદદ કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિનામાં પણ વોશિંગ્ટનમાં સ્વતંત્રાની ઉજવણી દરમિયાન થયેલા સામૂહિક ગોળીબારમાં 9 લોકો ઘાયલ થયા હતાં.